મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ ન કરવા માટે પરિવાર દ્વારા ઠપકો આપતા ઘર છોડીને ચાલી ગયેલી ૧૬ વર્ષની કિશોરીને શોધી માતા-પિતા સાથે મિલન કરાવતી બારડોલી ૧૮૧ અભયમ ટીમ
સંતાન અને માતાપિતા વચ્ચે વૈચારિક મતભેદને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવતી ૧૮૧ અભયમ
વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક પરિવાર માટે મોબાઈલ ફોન આશીર્વાદરૂપ નહીં, પરંતુ અભિશાપરૂપ બન્યો
મોબાઈલનો વધુ પડતો ઉપયોગ મોટી સમસ્યાઓ ઉભી કરે છે. બાળકો, કિશોરો, યુવાનોના માનસ પર તેની નકારાત્મક અસરો ઉભી થતી હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવે છે, ત્યારે ૧૬ વર્ષની કિશોરીને મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ ન કરવા માટે પરિવાર દ્વારા ઠપકો આપતા ઘર છોડી ચાલી ગઈ હતી, પરંતુ બારડોલી ૧૮૧ અભયમ ટીમ દ્વારા ૧૬ વર્ષની કિશોરીને માતા-પિતા સાથે સુરક્ષિત મિલન કરાવ્યુ હતું અને સંતાનો અને માતાપિતા વચ્ચે વૈચારિક મતભેદને દૂર કર્યા હતા.
બારડોલી તાલુકાના ઉવા ગામમાંથી રાત્રિના સમયે એક જાગૃત નાગરિક એ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યુ કે, એક અજાણી કિશોરી જેની ઉંમર આશરે ૧૬ વર્ષ હશે તે તેમના ખેતરમાં એકલા બેઠી છે. યુવતીની સાથે વાતચીત કરવા પુછ્યું કે તારે ક્યાં જવું છે, ક્યાંથી આવ્યા, અહીં શું કરો છો પણ યુવતી કશું કહેતી નથી. યુવતી ખૂબ જ ગભરાયેલી અને ચિંતામાં છે.
જેના પગલે ૧૮૧ અભયમ્ ટીમના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ કંકુબેન ચૌધરી તથા પાયલોટ અકરમ શેખ ઘટનાસ્થળે યુવતીની મદદ માટે પહોંચ્યા. જ્યાં લોકોએ યુવતીને સુરક્ષિત જગ્યાએ બેસાડી અને જમવાનું પણ આપ્યું હતું.
૧૮૧ ટીમ દ્વારા યુવતી સાથે વાત-ચીત કરતા વિગતો આપવામાં યુવતી સહકાર આપતી ન હતી. ત્યારબાદ ફરી ૧૮૧ ટીમે અસરકારક કાઉન્સેલિંગ કરતા યુવતીએ કહ્યું કે, તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માતા-પિતા સાથે રહે છે. યુવતી ધો.૯ સુધી ભણેલી અને હાલ અભ્યાસ કરતી ન હતી. યુવતી મોબાઈલ ફોન પર વધુ સમય વિતાવતી હોવાથી ઘરકામ કરવામાં પૂરતું ધ્યાન આપતી ન હતી. એ બાબતને લઈને યુવતીને તેમના માતા-પિતા અવાર-નવાર ઠપકો આપતા હતા અને માતાએ તેની પાસેથી ફોન પણ લઈ લીધો હતો, એ બાબતનું માઠું લાગી આવતા યુવતી તેમના માતા-પિતા ને જાણ કર્યા વગર ઘરેથી ૩ દિવસ પહેલા નીકળી આવ્યા હતા.
યુવતીને કાઉન્સેલિંગ દરમ્યાન મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી થતા નુકશાન અંગે સમજાવી ત્યારબાદ યુવતી ફરી તેમના માતા પિતા પાસે ઘરે પરત જવા તૈયાર થઈ હતી. માતા-પિતાના ફોન નંબર મેળવી વાતચીત કરીને તેમની દીકરી બારડોલી તાલુકાના ઉવા ગામમાં છે અને ઘટનાની તમામ હકીકત જણાવી. માતાપિતાએ ગુમ થયાની પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. બાજીપુરા ચેક પોસ્ટ ખાતે યુવતીના માતા-પિતા તેમજ પરિવારના સભ્યો યુવતીને લેવા માટે પહોંચી આવ્યા હતાં ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા યુવતી અને તેમના માતા-પિતાના આધાર પુરાવા અને ફોટાઓ મેળવ્યા બાદ યુવતીના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરી યોગ્ય સલાહ સૂચન, માર્ગદર્શન આપી યુવતીનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. માતા-પિતાએ ભાવુક થઈ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ, બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સુઝબુઝથી એક શ્રમિક પરીવારની દીકરીનું તેમનાં પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
