અનાવલ ગામે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારાના નામે છેતરપીંડી ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા બાદ ઉકેલન મળતા પોલીસ ફરિયાદ.
મહુવાના અનાવલ ગામે આવેલ શુકલેશ્વર રેસિડન્સીમાં રહેતા મુકેશ ચુનીલાલ સિરવી પોતે પ્રોવીઝન સ્ટોર ધરાવે છે. તેઓ ક્રેડિટકાર્ડ પણ ધરાવતા હતા. તા.૦૯/૧૧/૨૦૨૪ ના રોજ મોબાઈલ નં. ૯૫૭૨૦-૫૧૪૧૬ ઉપરથી અજાણી મહિલાનો ફોન આવતા તેને એચ.ડી.એફ.સી બેંકના નામે આવેલ ફોન ઉપરથી તેના ક્રેડિટકાર્ડ ઉપર લિમિટ વધારી આપવા સાથે કાર્ડના ફાયદા બતાવતા દુકાનદાર લિમિટ વધારવા સંમત થયો હતો. વીડિયો કે.વાય.સી પ્રક્રિયા પુરી કરાયા બાદ થોડીવાર પછી અજાણી મહિલાનો ફોન આવતા દુકાનદારના એક્સિસ બેંકના ક્રેડિટકાર્ડના છેલ્લા ચાર આંકડા મંગાવ્યા હતા. તેને ક્રેડિટકાર્ડની લિમિટ વધારવા સાથે કાર્ડનો ઉપયોગ કરી રૂ. ૪૫,૦૦૦/- રોકડા ઉપાડવા પણ મળશે મુજબ જણાવી એક્સિસ બેંકની એપ્લિકેશનમાં કન્ટ્રોલ સેન્ટરમાં લોગઇન કરવા જણાવાયું હતું. આ પ્રક્રિયામાં તેની ઉપર બે વાર ઓ.ટી.પી આવતા તેણે ઓ.ટી.પી નંબર જણાવ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી તેના મોબાઈલમાં પહેલા રૂ. ૪૫,૦૦૦/- અને બીજી વાર રૂ. ૯૫,૦૦૦/- ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. દુકાનદાર મુકેશ સિરવીએ કસ્ટમર કેરમાં ફરિયાદ કરતા સામે છેડેથી ટ્રાન્જેક્શન પ્રોસેસમાં છે. એટલે કેન્સલ કરી ન શકાય મુજબનો જવાબ મળ્યો હતો. પોતે છેતરાયા હોવાનું સમજી તેણે પ્રથમ સાઇબર ક્રાઈમ પોલીસમાં હકીકત જણાવી ફરિયાદ નંબર મેળવ્યો હતો. આ સમયે તેને ટ્રાન્જેક્શન હોલ્ડ કરાયું હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ સતત પાંચ મહિના સુધી તેના પૈસા પાછા ન આવતા તેણે મહુવા પોલીસ મથકે સંપૂર્ણ વિગત જણાવતી ફરિયાદ આપી હતી.
