પૂર્વ અને પશ્વિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાનો અનોખો સંગમ એટલે માધવપુરનો મેળોઃ
સુરત આંગણે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે તા.૧લી એપ્રિલના રોજ પ્રથમવાર પૂર્વોત્તર રાજયો ૨૦૦ તથા ગુજરાતના ૨૦૦ કલાકારો સાથેનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશેઃ
સુરતીઓને સાંસ્કૃતિક કાર્યક્રમનો લાહવો લેવાની સુવર્ણતકઃ વહેલાના પહેલા ધોરણે બુક માય શો https://in.bookmyshow.com/events/madhavpur-fair-2025-surat/ET00439852 પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધઃ
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તા.૬ થી તા:૧૦મી એપ્રિલ દરમિયાન માધવપુરનો મેળો યોજાઈ રહ્યો છે. આ મેળામાં સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ધરોહરોને તેની મૂળ ગરીમાને જાળવી રાખીને ઉજાગર કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષ રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત, અમદાવાદ, દેવભુમિ દ્વારકા સહિતના લોકો પણ આ મેળાથી અવગત થાય તેવા આશયથી સાંસ્કૃતિક કૃત્તિઓ રજુ કરવાનો નિર્દેશ આપ્યો છે.
જેના ભાગરૂપે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનરશ્રી શાલિની અગ્રવાલ તથા પો.કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલના વડપણ હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, માધવપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક છે. રમતગમત અને યુવા સાંસ્કૃતિક, પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે શ્રીકૃષ્ણ અને દેવી રૂકમણીજીના વિવાહ પ્રસંગની યાદમાં પોરબંદર ખાતે માધવપુર ધેડનો મેળો યોજાઈ છે. જેના ભાગરુપે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર સૌપ્રથમવાર સુરતના આંગણે ઉત્તરપૂર્વીય રાજયોના ૨૦૦ કલાકારો અને ગુજરાતના ૨૦૦ કલાકારો એમ કુલ ૪૦૦ કલાકારો દ્વારા તા.૧લી એપ્રિલના રોજ સાંજે ૬.૦૦ વાગે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રંગારંગ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેને માણવા માટે સુરતીઓને બુક માય શો https://in.bookmyshow.com/events/madhavpur-fair-2025-surat/ET00439852 પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરવાનો અનુરોધ કર્યો હતો. ઈન્ડોર સ્ટેડિયમ ખાતે અંદાજીત ૭૫૦૦ થી વધુ સીટો પર વહેલાના પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું હતું.
મ્યુ.કમિશનરશ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, મેળામાં હાલ સુધીમાં ૧૮૦૦ વ્યકિતઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં વધુમાં વધુ સૂરતીઓને રજીસ્ટ્રેશન કરીને પૂર્વ અને પશ્વિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાનો અનોખા સંગમરૂપી સાંસ્કૃતિક કાર્યક્રમને માણવાનો અનુરોધ કર્યો હતો.
