બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે ઉન ભેસ્તાન વિસ્તારથી ૧૮ બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા
બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત શહેરના ઉન ભેસ્તાન વિસ્તારની સ્ટાર બેગ કંપનીમાં રેડ પાડી ૧૮ બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. આ બાળશ્રમિકો ઉત્તરપ્રદેશ અને બિહારથી કામ અર્થે સુરત આવ્યા હતા. જેમને રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની દેખરેખ હેઠળ વી.આર. પોપાવાલા બાળાશ્રમમાં આશ્રય અર્થે મોકલાયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ બાળકો સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી કામ કરતા હતા, અને બપોરે ૧:૦૦ થી ૨:૦૦ રિસેસ રહેતી. મહિને આશરે ₹ ૯ હજારથી ₹૧૦ હજાર પગાર આપવામાં આવતો હતો.
લેબર ઓફિસર, મનપા, અન્ય વિભાગો અને પ્રયાસ સંસ્થાની બનેલી જિલ્લા ટાસ્ક ફોર્સએ આ કાર્યવાહી કરી હતી. બાળકોના ડોક્યુમેન્ટ આવ્યા પછી આગળ કાયદાકીય કાર્યવાહી કરાશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી,સુરતની યાદીમાં જણાવાયું છે.
