તા.૨૨મી માર્ચે ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET-૨૦૨૫’ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પ્રતિબંધાત્મક આદેશો જારી
સુરત શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં કુલ – ૭૭ અધિકૃત કેન્દ્રોની હદથી ૧૦૦ મીટરના વિસ્તારમાં સભા ભરવા કે સરઘસ કાઢવા, ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર પ્રતિબંધ
સુરત શહેરમાં આગામી તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ યોજાનાર ‘કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET-૨૦૨૫’ પરીક્ષા યોજાનાર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને ઉમેદવારો શાંતિથી પરીક્ષા આપે તેવા હેતુથી શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા, ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન ચાલુ રાખવા પર પ્રતિબંધ અને પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારીઓ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા કે લાવવા લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેનામા અનુસાર સુરત શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં કુલ – ૭૭ અધિકૃત કેન્દ્રોની હદથી ૧૦૦ મીટરના વિસ્તારમાં તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી જાહેરનામું અમલી રહેશે.
પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં પ્રવેશતા ખાનગી વાહનો તેમજ પરીક્ષાર્થીઓને ગેરરીતિમાં મદદ કરવાના બદઇરાદાથી જતી બહારની અનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ કરવો કે કોશિષ કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ, વિક્ષેપ, ધ્યાનભંગ થાય તેવું કૃત્ય કરવું કે કરાવવું નહીં. આ ઉપરાંત પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા નહીં. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
