‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૨૧: સુરત જિલ્લો’
‘ન્યૂનતમ ખર્ચ-મહત્તમ નફો’: રાસાયણિક ઝેરી તત્વો વિના શુદ્ધ અને ગુણવતાસભર ઉત્પાદન માટેની સરળ અને ઉત્તમ ખેતપદ્ધતિ એટલે પ્રાકૃતિક કૃષિ
સામાન્ય રીતે ખેતીમાં વધુ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો વપરાય છે અને પાકને જંતુઓ કે રોગથી રક્ષણ માટે અત્યંત તીવ્ર અને ઝેરી જંતુનાશક દવાઓનો વપરાશ કરવામાં આવે છે. તેનો ગેરફાયદો એ છે કે ઉપજમાં ઝેરી જંતુનાશકો રહી જાય છે, જે સ્વાસ્થ્ય જોખમાવી શકે છે. વધુમાં જમીનની કુદરતી ઉત્પાદનક્ષમતા લાંબા સમયે ઘટી જાય છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એ જમીન અને આરોગ્યની જાળવણી માટે એક વૈકલ્પિક કૃષિપદ્ધતિ તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના પ્રાકૃતિક ખેતી વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિને રસાયણ-મુક્ત ખેતી પદ્ધતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેમાં ખેતર પર અથવા ઘરે ઓછા ખર્ચે ગાયના છાણ/મૂત્ર અને છોડના અર્ક આધારિત ઈનપુટ તૈયાર કરી તેનો ઉપયોગ કરી કરવામાં આવતી ખેતી તથા પાકમાં આચ્છાદન અને મિશ્ર પાક પધ્ધતિનો સમાવેશ કરાયો છે.
નીતિ આયોગ દ્વારા પ્રાકૃતિક ખેતીને ‘રસાયણમુક્ત અને પશુધન આધારિત ખેતી તરીકે વ્યાખ્યાયિત કરાઈ છે. આ વ્યાખ્યા પ્રવર્તમાન પ્રથાઓ પર આધારિત છે. એગ્રો-ઈકોલોજીના આધારે તે એક જૈવ વૈવિધ્યસભર ખેતી પદ્ધતિ છે જે પાક, વૃક્ષો અને પશુધન આધારિત છે. જેનો સંપૂર્ણ ફાયદો ખેડૂત, જમીન, પર્યાવરણને થાય છે. પ્રાકૃતિક ખેતીના અગણિત ફાયદાઓ વિષે જાણીએ…
ઉત્પાદનમાં વધારો: પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પરંપરાગત ખેતી (રાસાયણિક ખેતી) ની સાપેક્ષમાં ઘણા પાકોમાં વધારે ઉત્પાદન મેળવ્યું. આ ઉપરાંત, મોટા ભાગના પાકોમાં ખેડૂતોને રસાયણિક ખેતી જેટલું ઉત્પાદન તો મળી જ રહે છે.
આરોગ્યપ્રદ ખોરાક: પ્રાકૃતિક ખેતીમાં કોઈ કૃત્રિમ રસાયણોનો ઉપયોગ થતો ન હોવાથી થયેલ ઉત્પાદન ઝેરમુક્ત અને આરોગ્ય પ્રદ હોય છે. પ્રાકૃતિક ખેત પેદાશમાં જરૂરી તમામ પોષકતત્વો હોવાને કારણે લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
પર્યાવરણીની જાળવણી: પ્રાકૃતિક ખેતીમાં કોઈપણ રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેથી હવા, પાણી અને જમીનનું પ્રદુષણ થતું નથી.
ખેડૂતોની આવકમાં વધારો: પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને ઈનપુટ ખર્ચમાં ઘટાડો થાય છે, અને ઉચ્ચ ગુણવતાયુક્ત ઉત્પાદન થવાના કારણે આવકમાં વધારો થાય છે.
રોજગાર સર્જન:પ્રાકૃતિક ખેતીની પેદાશોનું મૂલ્યવર્ધન કરી તેનું વેચાણ કરવાથી રોજગારીમાં વધારો થાય છે, અને ઈનપુટ ખર્ચ ઘટવાને કારણે ગામનો પૈસો ગામમાં અને થયેલ ઉત્પાદન વેચાણ કરવાથી શહેરનો પૈસો પણ ગામમાં આવે છે, જેથી ગામમાં રોજગાર સર્જાય છે.
પાણીના વપરાશમાં ઘટાડો:પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન કરવાને કારણે બાષ્પીભવન ઓછુ થાય છે, તથા આચ્છાદનને કારણે પિયતની જરૂરિયાત પણ ઓછી રહે છે જેથી પાણીના વપરાશમાં ઘટાડો થાય છે.
ખેતી ખર્ચમાં ઘટાડો: પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા જીવામૃત્ત, ઘન જીવામૃત, છાણીયું ખાતર જેવા ઈનપુટસ ખેતર પર અથવા ઘરે જ જ ખેડૂત દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે.
જમીનની ફળદ્રુપતામાં વધારો: પ્રાકૃતિક ખેતીની સૌથી વધુ તાત્કાલિક હકારાત્મક અસર સૂક્ષ્મજીવાણુઓ અને અળસિયા જેવા અન્ય જીવંત જીવો પર પડે છે, જેના કારણે જમીનની ફલાદ્યતામાં વધારો થાય છે. યુરિયા, જંતુનાશકો, હર્બિસાઈડ્સ વગેરે જમીનમાં રહેલ સૂક્ષ્મજીવાણુઓને નુકસાન કરે છે તેમજ જમીનની ઉત્પાદન શક્તિમાં ધીરે ધીરે ઘટાડો કરે છે, જેનો ઉપયોગ સદંતર બંધ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
ગૌવંશ-પશુધનની સેવા: ખેતી પ્રણાલીમાં પશુઓના ગાય, ગૌવંશના છાણ અને મુત્રનો ઉપયોગ કરવાને કારણે પશુધનમાં વધારો થાય છે. પશુઓ થકી વધારાની આવક મળવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. આ રીતે ગૌવંશ-પશુધનની સેવા થાય છે.
આમ, ‘ન્યૂનતમ ખર્ચ-મહત્તમ નફો’ એ વાતને સાર્થક કરતી તેમજ રાસાયણિક ઝેરી તત્વો વિના શુદ્ધ અને ગુણવતાસભર ઉત્પાદન માટેની સરળ અને ઉત્તમ ખેતપદ્ધતિ એટલે પ્રાકૃતિક કૃષિ છે એમ કહેવું યોગ્ય છે.
