ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણબોર્ડની S.S.C./ H.S.C. પરીક્ષાઓ સંદર્ભે સુરત શહેર પોલીસ કમિશનરે પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યાઃ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૨૭/૨/૨૦૨૫ થી તા.૧૭/૩/૨૦૨૫ સુધી ધો.૧૦ S.S.C. અને ધો.૧૨ H.S.C. (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ શાંતિમય વાતાવરણ રહે અને પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોચે તે માટે સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા જરૂરી પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોગ રૂમની ૧૦૦ મીટરના વિસ્તારમાં જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે.
જાહેરનામા અનુસાર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૧૧૬, વિજ્ઞાન પ્રવાહના ૫૬ તથા ધો.૧૦ના ૨૧૮ મળી કુલ ૩૯૦ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. જેથી પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયાની અંદર ચાર કરતા વધુ વ્યકિતઓ એકત્ર થવા, સભા ભરવી કે બોલાવવી નહીં અથવા સરઘસ કાઢવું નહીં. તેમજ લાઉડ સ્પીકર વગાડવા નહી. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર ત્રિજ્યા અંદર ઝેરોક્ષ સેન્ટર તથા વાહનો ઉભા રાખવા નહી. પરીક્ષા બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તથા પરીક્ષા સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) વિદ્યાર્થીઓએ મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે પરીક્ષા કાર્યમાં રોકાયેલા કે ફરજ પરના સરકારી વ્યકિતઓને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
