ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રતિબંધાત્મક આદેશો જારી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધો. ૧૦ અને ૧૨ (વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ)ની નિયમિત-રીપીટર, પૃથક અને ખાનગી ઉમેદવારોની પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫થી ૧૭/૦૩/૨૦૨૫ દરમિયાન સુરત શહેરમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સવારે ૧૦.૩૦ વાગ્યાથી બપોરે ૧.૩૦ વાગ્યા તથા બપોરે ૩.૦૦ વાગ્યાથી ૧૮.૩૦ વાગ્યા દરમિયાન યોજનારી પરીક્ષાને ધ્યાને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને ઉમેદવારો શાંતિથી પરીક્ષા આપે તેવા હેતુથી આ જાહેરનામા દ્વારા સરઘસ કાઢવાની, સભા ભરવાની તથા પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટર વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓ તથા ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેનામા અનુસાર પરીક્ષાના તમામ અધિકૃત કેન્દ્રોની હદથી ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોની કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં અથવા સરઘસ કાઢવું નહીં. તેમજ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઉક્ત તારીખ અને સમય દરમ્યાન ઝેરોક્ષ મશન ચાલુ રાખી શકાશે નહીં.
પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ખાનગી વાહનો ઉભા રાખવા તેમજ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇપણ ચીજવસ્તુ ઇલેક્ટ્રોનિક આઇટમ, ગેજેટ્સ, કોમ્યુનિકેશન ડિવાઇસ કે સિસ્ટમ રાખવા, મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
