ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની આર્થિક સહાયથી માંડવી તાલુકાના જૂના કાકરાપારના મહિલા પશુપાલક અરૂણાબેન ચૌધરી બન્યા આર્થિક રીતે આત્મનિર્ભર
યોજનામાં મળી રૂા.૪ લાખની લોનસહાય: તબેલો બનાવી પશુપાલનથી મહિને રૂા.૧૨ થી ૧૫ હજારની આવક મેળવતા અરૂણાબેન
રાજ્ય સરકારે આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે અનેક કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. જેના સુચારૂ અમલીકરણથી આદિવાસી સમુદાય ધીરે ધીરે પણ મકકમતાથી વિકાસની રાહ પર આગેકૂચ કરી રહ્યો છે.
રાજ્ય સરકારના ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો રોજગાર/સ્વરોજગાર કરી આર્થિક રીતે પગભર બને એ માટે નજીવા દરે લોન આપવામાં આવે છે. આદિજાતિ વિકાસ નિગમ દ્વારા સુરત જિલ્લાના માંડવી તાલુકાના જુના કાકરાપાર ગામના અરૂણાબેન ગુમાનભાઈ ચૌધરીએ રૂા.૦૪ લાખની લોનસહાય મેળવી તબેલો બનાવી પશુપાલન થકી આર્થિક આત્મનિર્ભતા મેળવી છે.
અરૂણાબેનના પતિ ગુમાનભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આદિવાસી સમુદાયમાં ખેતીની સાથે પશુપાલન પણ પૂરક વ્યવસાય કરવામાં આવે છે. અમે ખેતીની સાથે પશુપાલન વર્ષોથી કરીએ છીએ.
તેમણે ઉમેર્યું કે, કાચા મકાનમાં પશુઓને રાખતા હતા. ટાઢ તડકામાં પશુઓને ખૂબ સમસ્યા વેઠવી પડતી હતી, સાથે સાથે અમને પણ પશુઓની સારસંભાળ લેવામાં પણ સમસ્યા રહેતી હતી. માંડવી પ્રાયોજના વહીવટદાર કચેરીથી પશુપાલન કરતા આદિવાસી ખેડૂતોને તબેલો બનાવવા માટે નિગમ બેંકમાંથી લોન આપવામાં આવે છે એમ જાણવા મળતા લોન માટે અરજી કરી અને નિયત સમયમાં રૂા. ૦૪ લાખની લોન મળી.
ગુમાનભાઈએ વધુમાં જણાવ્યું કે, લોનની મદદથી રૂા. ૧.૮૦ લાખના ખર્ચે તબેલો બનાવ્યો અને થોડા ગજવાના બચતના નાણા ઉમેરી ત્રણ ભેંસો લાવ્યા. પશુઓ માટે પાકું સ્ટ્રકચર તૈયાર થતા હવે છાણ વાંસીદું કરવામાં તેમજ ભેંસોને નવડાવતી વખતે કાદવ કીચડ થતો નથી. ફર્શ પણ સિમેન્ટ કોંક્રિટની હોવાથી સહેલાઈથી ધોઈ શકાય છે. હાલ બે ભેંસો દુધ આપે છે. અનાજની સાથે પશુઓ માટે ચારો પણ ઉગાડીએ છીએ. તેથી ચારાનો ખર્ચ થતો નથી. ડેરીમાંથી દાણ લાવીએ છીએ એનો ખર્ચ બાદ કરતા અમને માસિક રૂ.બારથી પંદર હજારની આવક સહેલાઈથી મળી રહે છે.
નિગમમાંથી મળેલી લોનની ભરપાઈ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ચાર લાખની લોનની ભરપાઈ પેટે ત્રિમાસિક રૂ.એકવીસ હજારનો હપ્તો બેંકમાં જમા કરાવીએ છીએ. થોડા સમય બાદ લોન ભરપાઈ થયા બાદ આર્થિક રીતે સ્થિર થઈ શકીશું અને દૂધની નિયમિત આવકથી હપ્તાની ચિંતા પણ નહીં રહે. પશુપાલનમાં પરિવાર પૂર્ણ સહયોગ સાથે કાર્ય કરી રહ્યા હોવાનું તેઓ જણાવે છે.
આમ, પશુપાલનના વ્યવસાયને અરૂણાબેને સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખૂબ સરસ રીતે વિકસાવીને અન્ય બહેનો માટે પ્રેરણારૂપ બન્યા છે.
