સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઘોડબાર ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
ધો.૯ સુધી અભ્યાસ કરેલા આદિવાસી ખેડૂત હર્ષદભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતી છોડી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો
હર્ષદભાઈ ત્રણ વીઘા જમીનમાં નજીવા ખર્ચે ૧૫થી વધુ પાકોનું ઉત્પાદન કરી વાર્ષિક રૂ.૨.૫૦ લાખનો ચખ્ખો નફો મેળવી રહ્યાં છેઃ
ગાય આધારિત ખેતી કરતાં હોવાથી હર્ષદભાઈને રાજ્ય સરકારની ગાય નિભાવ યોજના થકી વર્ષે રૂ.૧૦,૮૦૦ ની સહાય: મોડેલ ફાર્મ બનાવવા માટે રૂ.૧૩,૫૦૦ સહાય મળી
પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે મહત્તમ ઉત્પાદન સાથે બમણી આવક મળી રહી છેઃ ખેડૂત હર્ષદભાઈ ચૌધરી
રાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિલાંજલિ આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઘોડબાર ગામના આદિવાસી ખેડૂત હર્ષદભાઈ ભુલજીભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરીને સફળતા મેળવી છે. રાસાયણિક દવા, ખેડ અને ખાતર વગરની પ્રાકૃતિક ખેતી કરનાર હર્ષદભાઈએ સૌપ્રથમ એક એકર જમીનમાં પ્રયોગ કરી ધાર્યું પરિણામ મેળવ્યું છે, ત્યારબાદ સતત સાત વર્ષથી જંગલ મોડેલ આધારિત ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ પદ્ધતિથી તેઓ નજીવા ખર્ચમાં ત્રણ વીઘા જમીનમાં ૧૫થી વધુ પ્રકારના પાકોનું ઉત્પાદન લઈને વાર્ષિક રૂ.૨.૫૦ લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીથી સારો પાક, વધુ ઉત્પાદન અને વધુ આવક મળતા હર્ષ સાથે ખેડૂત હર્ષદભાઈ ચૌધરીએ જણાવ્યું કે, નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ રહ્યો છે, જેમાં શાકભાજીની ખેતીમાં વધુ રસ હતો અને શાકભાજીની માવજત જાતે જ કરતો. ધો.૯ સુધી અભ્યાસ કરી પિતા સાથે ખેતીકામમાં જોડાઈ ગયો. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં ખેતીને લગતી વિવિધ શિબિરોમાંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું. આત્મા પ્રોજેક્ટની શિબિરથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી અને ૨૦૧૯માં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.
હર્ષદભાઈ વધુમાં જણાવે છે કે,પહેલા રાસાયણિક ખેતી ખર્ચાળ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો. જેમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરવાની શરૂઆત કરી. આ ખેતીમાં બધા પાક એક સાથે વાવવાના હોય છે. જેથી મેં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ સહિતના એકસામટા ૧૫ થી ૨૦ પાક વાવ્યા છે. ફ્રૂટની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું વાવેતર કર્યું છે. જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજનું પણ વાવેતર પ્રગતિમાં છે. સાથે ચોળી, મગ, અડદ જેવા કઠોળ પાક પણ છે. સામૂહિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રાકૃતિક ખેતપદ્ધતિના કારણે ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે.
તેઓ કહે છે કે, પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત રહે છે, તેની સામે ખેતી ખર્ચ નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે.
સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. જંગલ મોડલ આધારિત ખેતી માટેનું મોડેલ ફોર્મ બનાવવા સરકાર દ્વારા રૂ.૧૩,૫૦૦ ની સહાય પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, ગાય આધારિત ખેતી કરતો હોવાથી રાજ્ય સરકારની ગાય નિભાવ યોજના થકી વર્ષે રૂ.૧૦,૮૦૦ ની સહાય પ્રાપ્ત થઈ છે.
ગાય આધારિત ખેતીમાં ઉત્પાદન વધુ મળ્યું: જમીનની ગુણવત્તા સુધરી
રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિને રૂ.૯૦૦ની સહાય આપે છે, જે યોજનાનો લાભ પણ લઈ રહ્યો છું. ઉપરાંત આત્માના અધિકારીઓ પણ સમયાંતરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું ઉમદા માર્ગદર્શન આપે છે, જે સરાહનીય છે. જાતે ગૌ-મુત્ર અને છાણમાંથી જીવામૃત અને ઘનજીવામૃત બનાવી ખેતીમાં વપરાશ કરૂ છું. જેના કારણે જમીનની ગુણવત્તા પણ સુધરી હોવાનું હર્ષદભાઈ કહે છે.
જંગલ મોડલ પ્રાકૃતિક ખેતીમાં ખેડાણનો ખર્ચ લાગતો નથીઃ
જંગલ મોડલ પદ્ધતિમાં ખેડ બિલકુલ કરવાની હોતી નથી. આથી ખેતરમાં બળદ, ટ્રેક્ટર કે માણસ રાખવાનો કોઈ જ ખર્ચો થતો નથી. દવાનો છંટકાવ કરવાની પણ જરૂર પડતી નથી. એક જ ખેતરમાં બધા જ પાકો (મિક્સ) એટલે કે આંતરપાકની જેમ વાવવાના હોય છે. ત્રણ વીઘાના ખેતરમાં જંગલ મોડેલથી અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ, શાકભાજીમાં રીંગણ, ટામેટાં, તુવેર, ફુદીના અને કારેલા જેવા પાકો સિઝન પ્રમાણે તેમજ જુવાર, બાજરી અને મકાઈ જેવા અનાજ સાથે કઠોળમાં ચોળી, ગવાર, મગ અને અડદ જેવા પાકોમાં મને ઉત્તમ ઉત્પાદન મળ્યું છે, ઉપરાંત ખર્ચ નહિવત આવતા નફાનું પ્રમાણ પણ વધ્યું છે.
