મહારાષ્ટ્રમાં રોડ અકસ્માતમાં ઘવાયેલા ભરતસિંગ રાજપૂતના હાથનું હલનચલન બંધ થયું: સિવિલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ ઓપરેશન વિના નર્વ રિલીઝની સઘન સારવાર કરતા હાથ પૂર્વવત થયો
ભરતસિંગને નવી સિવિલમાં દૂરબીનથી જ્ઞાનતંતુ-ચેતાતંતુ (નર્વ રિલીઝ) કરવાની સારવાર મળતા સંપૂર્ણ સ્વસ્થ થયા
ખાનગી હોસ્પિટલોમાં અઢીથી ત્રણ લાખના ખર્ચે થતી સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે થઈ
મહારાષ્ટ્રના મોહાડી ગામના સામાજિક અગ્રણી રામ પાટીલે નવી સિવિલના તબીબોની સેવાને બિરદાવી
મહારાષ્ટ્રમાં રોડ અકસ્માતમાં ઘવાયેલા ભરતસિંગ રાજપૂતના હાથનું હલનચલન બંધ થઈ ગયું હતું. પરંતુ નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ ઓપરેશન વિના નર્વ રિલીઝની સઘન સારવાર કરતા હાથ પૂર્વવત થયો હતો. Suprascapular nerve entrapment with glenoid ના કારણે ફ્રેકચરના કારણે પેરાલિસીસની માફક હાથના ચેતાતંતુ નિષ્ક્રિય થઈ ગયા હતા. દર્દીએ સુરત આવીને સારવાર મેળવતા નવી સિવિલના તબીબોએ માત્ર બે દિવસની સફળ સારવાર કરી દર્દીને ઉગારી લઈ સંપૂર્ણ સ્વસ્થ કર્યા હતા.
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જામનેર તાલુકાના મોહાડી ગામના રહેવાસી અને અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ભરતસિંગ રાજપૂત ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેઓ ચાર પુત્રીઓ અને એક પુત્રના પિતા છે. તેઓ ગત તા.૧૫મી ડિસે.ના રોજ મોટરસાયકલ લઈને સામાજિક કામે જઈ રહ્યા હતા એ દરમિયાન અકસ્માતે નદીના નાળામાં બાઈક સાથે પટકાતા ડાબા હાથ અને પડખામાં ઈજા થઈ હતી. ગંભીર ઈજાના કારણે ડાબા હાથનું હલનચલન બંધ થઈ ગયું હતું. મહારાષ્ટ્રના જલગાંવની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કરી ૧૫ દિવસની દવા આપી હતી. પરંતુ કોઈ ફરક પડ્યો ન હતો.
અન્ય ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરાવતા અઢીથી ત્રણ લાખનો ખર્ચ પોસાય તેમ ન હોવાથી સારવાર માટે ચિંતિત હતા. એવામાં મોહાડી ગામના સામાજિક અગ્રણી રામ પાટીલ અને ભાવિની પાટીલને જાણ થતા તેમણે સુરતની નવી સિવિલમાં સારવાર લેવા માટે નવી સિવિલ તંત્રની મદદથી વ્યવસ્થા કરી અને તા.૫મી ફેબ્રુ.એ અહીં દાખલ કર્યા. તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમારના નેતૃત્વમાં ઓર્થોપેડિક વિભાગના વડા ડો.હરિ મેનનના માર્ગદર્શન હેઠળ એસો. પ્રો.ડો.સ્વપ્નિલ નાગલેએ જરૂરી ઈન્જેકશનો તેમજ દૂરબીનથી જ્ઞાનતંતુ-ચેતાતંતુ (નર્વ રિલીઝ)ની સફળ સારવાર કરી હતી.
પ્રાઈવેટ હોસ્પિટલમાં થતી લાખ્ખોની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે થવાથી મહારાષ્ટ્રના મોહાડી ગામના સામાજિક અગ્રણી ભાવિની રામચંદ્ર પાટીલે નવી સિવિલના તબીબોની સેવાને બિરદાવી હતી.
શ્રી રામ પાટીલે જણાવ્યું કે, ભરતસિંગ નવી સિવિલના તબીબોના કૌશલ્યથી હવે બંને હાથનું હલનચલન કરે છે. કસરત પણ કરી રહ્યા છે. સેવાભાવી તબીબો દ્વારા વિનામૂલ્યે MRI ની મદદ મળી છે. ખાનગી હોસ્પિટલોમાં ૧ લાખ થી લઈ ૨૦ લાખ સુધી થતા ઓપરેશનો નવી સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. મહારાષ્ટ્રના મોહાડી ગામ અને આસપાસના વિસ્તારના ૫૦ જેટલા દર્દીઓના જટિલ સર્જરી ઓપરેશન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થયા છે એમ જણાવી સિવિલ તંત્રના નિ:સ્વાર્થ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઓર્થો. વિભાગના વડા ડો.હરિ મેનને જણાવ્યું હતું કે, નવી સિવિલમાં દરરોજ હાડકાના ૧૫ થી ૨૦ ઓપરેશનો કરવામાં આવે છે. તબીબી અને નર્સિંગ સ્ટાફ, અન્ય આરોગ્ય કર્મીઓ, સફાઈકર્મીઓની સેવાભાવનાથી અનેક દર્દીઓ સિવિલમાંથી સારવાર મેળવી સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે જાય છે. ગરીબ અને આર્થિક નબળા દર્દીઓ માટે નવી સિવિલ આશીર્વાદરૂપ બની છે.
દર્દીની સફળ સારવાર કરનાર સિવિલના ઓર્થો. વિભાગના એસો. પ્રો.ડો.સ્વપ્નિલ નાગલેએ જણાવ્યું કે, ભરતસિંગના જેવા નર્વ બ્લોકેજના ૫૦ હજાર કેસો પૈકી એક જોવા મળે છે. આવી નસની સમસ્યા સર્જાય ત્યારે મોટા ખર્ચાળ ઓપરેશનના બદલે સમજદારી અને ધીરજપૂર્વકની સારવાર લેવાથી સ્વસ્થ થઈ શકાય છે. સિવિલની સારવાર બાદ ભરતસિંગ થોડા દિવસોની ફિઝીયોથેરાપીથી ખેતરનું કામ કરવા માટે પણ સક્ષમ બનશે.
નર્સિંગ એસો.ના સંજય પરમાર અને બિપીન મેકવાને ભરતસિંગ અને તેમના પુત્રની રહેવા-જમવાની તમામ વ્યવસ્થા કરી હતી. ભરતસિંગ રાજપૂતે સારવાર માટે મદદરૂપ થયેલા રેસિડેન્ટ તબીબો, નર્સિંગ અને સફાઈ સ્ટાફ તેમજ સમગ્ર સિવિલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
