બારડોલી તાલુકાના કણાઈ ગામના ખેડૂત નાનુભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી અપનાવી બન્યા આત્મનિર્ભર
શાકભાજી સહિતના મિશ્ર પાકોનું મૂલ્યવર્ધન કરીને બારડોલીમાં જાતે વેચાણ કરે છે
શેરડીનું મૂલ્યવર્ધન કરીને દેશી ગોળ બનાવીને વેચાણ કરતા નાનુભાઈ: શેરડીના પાકની સાથે શાકભાજી, આંબા હળદર, લીલી હળદર, મગ, ડુંગળીનું માતબર ઉત્પાદન
લોકોના સ્વાસ્થ્ય અને જમીનની તંદુરસ્તી માટે આજે ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લામાં પણ અનેક ખેડૂતો રાસાયણિક ખેતીને તિંલાજલિ આપીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. બારડોલી તાલુકાના કણાઈ ગામના પ્રગતિશીલ ખેડૂત નાનુભાઈ બહાદુરભાઈ પટેલે શાકભાજી, શેરડી, કઠોળ, ધાન્ય પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે.
નાનુભાઈ કહે છે કે, ૨૦૧૮થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. ઘરે ગાય પાળીને શાકભાજી પાકોમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) સહજીવી પાક થકી પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યો હતો. વર્ષ ૨૦૨૨-૨૩માં શેરડીના પાકની સાથે શાકભાજી, આંબા હળદર, લીલી હળદર, મગ, ડુંગળી (કાંદા)નું ઉત્પાદન લીધું. શેરડીમાં આચ્છાદન સાથે મગ ચણાનું વાવેતર કર્યું. વર્ષ ૨૦૨૩-૨૪ માં ઘનિષ્ઠ પાક તરીકે ધાન્ય પાક ડાંગર જેવા કે દૂધ મલાઈ, (ઈન્દ્રાણી), લાલ કડા, કૃષ્ણ કમોદ, આંબેમોર પાકમાં ઘણી સફળતા મળી. ૨૫ ગુંઠા જમીનમાં શેરડી વાવી જેમાં ૨૩ ટન શેરડીનું ઉત્પાદન મેળવ્યું હતું. શેરડીનું મૂલ્યવર્ધન કરીને દોઢ ટનમાંથી ૧૪૫ કિલો દેશી ગોળ બનાવીને વેચાણ શરૂ કર્યું જેમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો.
સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા નાનુભાઈ કહે છે કે, ચાલુ વર્ષમાં ખરીફ ઋતુ દરમ્યાન લીલી હળદર, આંબા હળદર વાવી અને ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મળ્યું છે. કુદરતી ખાતરથી ઉત્પાદન વધ્યુ અને સ્વાદ પણ ઉત્તમ હોય છે. સમયાંતરે સારો એવો ફાયદો થતા તુવેર, લીલી ચા, મેથીની ભાજી જેવા શાકભાજીના પાકો સપ્તાહમાં બે વાર સોમ અને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ વાગ્યા દરમિયાન બારડોલી સ્વરાજ આશ્રમ પાસે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રમાં વેચીએ છીએ. જેને બારડોલી નગરજનોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે. નિયમિત ગ્રાહકોમાં શાકભાજી ઝડપથી વેચાઈ જાય છે.
તેઓ દેશી ગાય પાળીને ગૌમાતાની સેવા સાથે ગૌમૂત્ર-ગોબરથી ઘનજીવામૃત અને જીવામૃતનું ઉત્પાદન અને વેચાણ પણ કરી રહ્યા છે. પોતાના ખેતરમાં જાતે બનાવેલા ઘનજીવામૃત અને જીવામૃતનો ઉપયોગ કરી ઉત્તમ ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે. ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી સૌ ખેડૂતોને અપનાવવાનો અનુરોધ કરતા તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં ઘરે બેઠા ઝીરો બજેટની ખેતી કરી શકાય છે. કોઈપણ વસ્તુઓ બજારમાંથી લાવવાની જરૂર ન પડે તેવું આયોજન થઈ શકે છે. આજે ગુજરાતમાં કેન્સર જેવા ગંભીર રોગનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટી છે. જેથી ધરતીમાતાને પુન: ફળદ્રુપ બનાવવા અને લોકોને સ્વસ્થ, સશક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.
આમ નાનુભાઈ ગાય આધારિત ખેતી કરીને ઓછી જમીનમાં સારૂ એવું ઉત્પાદન મેળવીને અન્ય ખેડૂતોને પ્રેરણારૂપ બન્યા છે.
