સુરત જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમરપાડાના વાડી સૈનિક સ્કૂલ ખાતે યોજાશે
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ધ્વજ વંદન કરી તિરંગાને સલામી આપશે
વિવિધ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાશે
દેશના ૭૬ માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય દિનની ઉજવણી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી સૈનિક સ્કૂલના પટાંગણમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં રવિવારના રોજ સવારે ૯:૦૦ વાગે ધ્વજવંદન સમારોહ યોજાશે.
આ ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુન પરેડ તથા ટેબ્લોનું નિદર્શન યોજાશે. મંત્રીશ્રી પરેડનું નિરીક્ષણ કરીને લોકોનું અભિવાદન ઝીલીને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાની આપલે કરશે. તદ્દ-ઉપરાંત વિવિધ શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનારા અધિકારીશ્રી-કર્મયોગીઓને સન્માનિત કરી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાશે. સાથે-સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વમાં લોકોને મોટી સંખ્યામાં ભાગીદાર બનવાનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
