નવોદય સિલેકશન ટેસ્ટ (ધો.૬)ની પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રતિબંધાત્મક આદેશો જારી
નવોદય વિદ્યાલય સનિતિ દ્વારા આયોજિત જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ (ધો.૬)ની પરીક્ષા તા.૧૮/૦૧/૨૦૨૫ ના રોજ સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવાની સ્કુલ,હાઇસ્કુલમાં લેવામાં આવનાર છે. જેમાં વિદ્યાર્થીઓ શાંત અને સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપી શકે અને પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા સરઘસ કાઢવાની, સભા ભરવાની તથા પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટર વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓ તથા ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં પ્રવેશતા ખાનગી વાહનો તેમજ પરીક્ષાર્થીઓને ગેરરીતિમાં મદદ કરવાના બદઇરાદાથી જતી બહારની અનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ કરવો કે કોશિષ કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ, વિક્ષેપ, ધ્યાનભંગ થાય તેવું કૃત્ય કરવું કે કરાવવું નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇપણ ચીજવસ્તુ ઇલેક્ટ્રોનિક આઇટમ, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું કે કરાવવામાં મદદગીરી કરવી નહીં. આ ઉપરાંત પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ કે કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા નહીં. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઉક્ત તારીખ અને સમય દરમ્યાન ઝેરોક્ષ મશન ચાલુ રાખી શકાશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
