સુરત પતંગોત્સવમાં યુક્રેનની એનાસ્તાસિયા સુર્ચેવાએ ત્રીજીવાર પતંગ લહેરાવ્યો
યુક્રેનમાં તહેવારોમાં કલરફુલ વસ્ત્રો પહેરવાની પરંપરા છે, ત્યારે ભારતમાં ઉત્તરાયણ પર્વમાં આવી સામ્યતા જોવા મળી
ભારતના મારા ત્રીજીવારના પ્રવાસ દરમિયાન સુરતવાસીઓનો પતંગ પ્રત્યેનો ઉત્સાહ સરાહનીય
-:પતંગબાજ એનાસ્તાસિયા સુર્ચેવા
માહિતી બ્યુરો-સુરત:સોમવાર: સુરતના અડાજણમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં યુક્રેનની ૨૪ વર્ષીય પ્રખ્યાત પતંગબાજ એનાસ્તાસિયા સુર્ચેવાએ ત્રીજીવાર ભાગ લીધો હતો. રંગબેરંગી પતંગો આકાશમાં લહેરાવતાં તેમણે શ્રેષ્ઠ પતંગબાજીનું પ્રદર્શન કર્યુ હતું અને સુરતવાસીઓ સાથે પતંગોત્સવને માણ્યો હતો..
પતંગબાજ એનાસ્તાસિયાએ જણાવ્યું કે, યુક્રેનમાં તહેવારો દરમિયાન કલરફુલ વસ્ત્રો પહેરવાની પરંપરા છે, અને મને ગુજરાતના ઉત્તરાયણ પર્વમાં પણ આ સામ્યતા જોવા મળી. સુરતવાસીઓનો પતંગ પ્રત્યેનો ઉત્સાહ સરાહનીય છે. સુરતની મુલાકાત દરમિયાન લોકલ વ્યંજનો પણ ખૂબ ગમ્યા. સુરતના ફરસાણ અને મીઠાઈઓનો સ્વાદ અદભૂત છે. અહીંના લોકોની મહેમાનનવાજી ભરપૂર છે,” એમ તેમણે ઉમેર્યું.
એનાસ્તાસિયાએ ખાસ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઊંડાણથી અનુભવવાની સાથે પતંગોત્સવનો આનંદ લીધો. અંતે તેણે ભારતની આ ત્રીજી મુલાકાતમાં ઉત્તરાયણનો તહેવાર યાદગાર રહેશે એમ હર્ષ સાથે કહ્યું હતું.
