પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ વૈશાલીબેન પટેલની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે તા-14/09/2023ને ગુરુવારના રોજ તાલુકા પંચાયતના સભાખંડમા બપોરે 12 વાગ્યે ખાસ સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.તે પહેલા બુધવારના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવેલ મહુવા તાલુકા પંચાયતના નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષ નેતા અને દંડકના નામનુ મેન્ડેટ ખુલતા જ કહીં ખુશી તો કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.અને હોદ્દા માટે થનગનતા કેટલાક સભ્યોના મેન્ડેટમા નામ ન આવતા તેઓ ભારે નારાજ થઈ ગયા હતા.તેઓના સ્વપ્ન રોળાઈ જતા અંદરો અંદર ભારે કચવાટ પણ જોવા મળ્યો હતો.નારાજ સભ્યો બળવો કરી મેન્ડેટ વિરુદ્ધ મતદાન ન કરે તે માટે મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક દ્વારા સમય સૂચકતા વાપરી તમામ 15 સભ્યોને અનાવલ ખાતે ભેગા કરી નારાજ સભ્યોનો રોષ થાળે પાડી તેમને સમજાવ્યા હતા.ત્યારબાદ ગુરુવારના રોજ બપોરે 12 વાગ્યે તાલુકા પંચાયત કચેરી ખાતે આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે યોજાયેલ ચૂંટણીમા ભાજપના ઉમેદવાર શિલાબેન પટેલને 15 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિલાસબેન પટેલને 5 મત મળતા શિલાબેન પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.જ્યારે ઉપપ્રમુખ પદના ભાજપના ઉમેદવાર ચેતનભાઈ મિસ્ત્રીને 15 મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર પરિમલભાઈ પટેલને 5 મત મળતા ભાજપના ચેતનભાઈ મિસ્ત્રીની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.
