સુરત પતંગોત્સવનું આકર્ષણ: ૧૦ વર્ષનો લિટલ કાઈટીસ્ટ આર્ય પટેલ મોબાઈલથી દૂર રહી ખુલ્લા આકાશ હેઠળ રમવાનું વધુ કરે છે
માહિતી બ્યુરો સુરત:સોમવાર: સુરતના પતંગ મહોત્સવે વિવિધ દેશોના પતંગબાજોને એક મંચ પર લાવી દીધા હતા. આ પતંગબાજોમાં ૧૦ વર્ષના સુરતના ડભોલી વિસ્તારના આર્ય પટેલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
નાનકડા અને ઉત્સાહી પતંગબાજ આર્ય પટેલે જણાવ્યું કે, “છેલ્લા બે વર્ષથી હું મારા પિતાને સાથે રાખીને પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યો છું. પતંગ ઉડાવતી વખતે દેશ-વિદેશના પતંગબાજો સાથે અનુભવ મેળવવાની મજા આવે છે. નાની વયથી જ આઉટડોર ગેમ્સ રમવાની ટેવ પડી છે, જેથી હું મોબાઇલથી દૂર રહ્યો છું.”
આર્યે વધુમાં જણાવ્યું કે, આજના સમયમાં મારા જેવા નાના બાળકો મોટાભાગે મોબાઇલમાં વ્યસ્ત રહે છે, પણ હું ખુલ્લા આકાશ હેઠળ રમવાનું પસંદ કરું છું. આ પતંગ મહોત્સવે મને દેશ-વિદેશના પતંગબાજો સાથે પતંગ ઉડાવવાનો અવસર આપ્યો છે, જે મારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.”
અંતે આર્યએ અન્ય બાળકોને પણ આઉટડોર ગેમ્સ રમવાની વિનંતી કરતા કહ્યું કે, “મારા માતા-પિતાએ મને મોબાઇલથી દૂર રાખ્યો છે, જેનો મને ખૂબ ફાયદો આજે થઈ રહ્યો છે. મારા જેવા બીજા બાળકો પણ મોબાઈલ છોડીને બહાર રમે તે જરૂરી છે.”
