નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટીફિકેટ આપવાનો પ્રારંભઃ
પ્રથમ દિવસે ૬૦૦થી વધુ સર્ટીફિકેટ અપાયાઃ
અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે, જે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી સર્ટિફિકેટ આપવાનો પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે યાત્રાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. હજુ પણ એક મહિનાથી વધુ સમય માટે સર્ટીફિકેટ આપવામાં આવશે. આવતીકાલે શનિવારે પણ મેડિકલ સર્ટીફિકેટની કામગીરી શરૂ રહેશે.
સિવિલમાં જુના એમ.આઇ.સી.યુ. બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડિકલ ફિટનેસ સર્ટીફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી હોસ્પિટલ કામકાજનાં ચાલુ દિવસોમાં સોમવાર થી શુક્રવાર દરમ્યાન સમય સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમિયાન ચાલશે. સર્ટીફિકેટની ફી લેવામાં આવતી નથી. યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુ માટે કેસ બારી, તબીબો, લેબોરેટરી રૂમ તથા ઇ.સી.જી. ની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. શ્રી અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુઓએ પોતાની સાથે નંગ-૪(ચાર) પાસપોર્ટ સાઇઝ ફોટા, આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટીંગ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ પૈકી કોઇપણ એક) અસલ તથા ઝેરોક્ષ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટીફિકેટ ફોર્મ (બે નકલમાં) સાથે રૂબરૂમાં આવવાનું રહેશે.
