અમને ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતવાસીઓ ખૂબ પ્રેમાળ લાગે છે: સુરતનું ભોજન પણ પ્રિય: ફ્રેડેરિકો મેટિઆસ પાઉસાડેલા, બ્રાઝિલ
સુરતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા બ્રાઝિલના બાહોશ પતંગબાજ ફ્રેડેરિકો મેટિઆસ પાઉસાડેલાએ પતંગબાજીના અવનવા કરતબો દેખાડ્યા હતા. તેઓ પ્રથમવાર સુરતના પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. બ્રાઝિલમાં અવારનવાર યોજાતા પતંગોત્સવના કાર્યક્રમોમાં તે અચૂક ભાગ લે છે.
૨૨ વર્ષીય નિષ્ણાત પતંગબાજ ફ્રેડેરિકો મેટિઆસ પાઉસાડેલાએ પ્રતિભાવ આપતા કહ્યું કે, સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ પતંગ મહોત્સવ ગુજરાતમાં યોજાય છે, અમને ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતવાસીઓ ખૂબ પ્રેમાળ લાગે છે. સુરતનું ભોજન પણ મને પ્રિય છે. સ્થાનિક ગીતસંગીત સાંભળવાની મજા આવે છે. સુરતના દર્શકોના પ્રોત્સાહન અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલા ભાવભર્યા સ્વાગતથી હું ખુબ ખુશ છું. રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સહકાર અને આવકાર બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
