વહેવલમાં બે બાઇક ભટકાતાં એક યુવકનું મોત,મહિલા સહિત બે લોકોને ઇજા.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ વાંસદા તાલુકા સિંણધઈ ગામે અને હાલ મહુવા તાલુકાના વેહવલ ગામે હટવાળા ફળિયામાં રહી કળિયા કામ કરતો 19 વર્ષીય યુવાન જીગર કોળઘા તા-10/01/2025ને શુક્રવારના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં પોતાની મોટરસાયકલ (GJ-26-AG-9198)લઈ મહુવા તાલુકામા ઉમરા હનુમાનજી મંદિર પર મજૂરી કામ કરતા પોતાના ભાઈ મેહુલ કોળઘા પાસે પૈસાની જરૂર હોવાથી ઓછીના પૈસા લેવા માટે આવ્યો હતો.જ્યાંથી પૈસા લઈ ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન વેહવલ ગામની સીમમાં મોટરસાયકલ (GJ-19-AC-8436)ના ચાલકે પોતાના કબ્જાની મોટરસાયકલ પુરઝડપે અને બેફિકરાઈ થી હંકારી લાવી જીગરભાઈ કોળઘાની મોટરસાયકલ સાથે અથડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ચાલક જીગર કોળઘાને માથાના તેમજ છાતી અને શરીરના ભાગે ગંભીર ઈજા થતા તેમનુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ.જ્યારે અકસ્માત સર્જનાર ચાલક અને તેની પાછળ બેસેલ મહિલાને ઈજા થતા તેમને સારવાર માટે વાંસદા ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે મૃતકના ભાઈએ અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક વિરુદ્ધ મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
