કાછલ ગામે પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના બાળકોને NRI પરિવાર દ્વારા સ્વેટરની ભેટ અપાઈ.
સુરત-મહુવા :- મહુવા તાલુકાના કાછલ ગામની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી બાળકોને ડુંગરી ગામના એનઆરઆઈ પરિવાર દ્વારા નાના બાળકોને શિયાળાની ઋતુની ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી સ્વેટરની ભેટ આપવામાં આવી હતી. મૂળ ડુંગરી તા.મહુવા ગામના રહેવાસી દિપાલી સતીષભાઈ પટેલ અને રૂંઢવાડા તા.બારડોલીના વતની તેમના પતિ જયમેશ પટેલ સાથે હાલ અમેરિકા ખાતે સ્થાયી થયેલ છે. દિપાલી પટેલ તેમના પતિ જયમેશ પટેલ સાથે અમેરિકામાં મોટેલના વ્યવસાયમાં સફળ બિઝનેસ વિમેન તરીકે પ્રસ્થાપિત થયા છે. અમેરિકામાં રહીને પણ તેઓ પોતાના વતનને ભૂલ્યા નથી અને પોતાના સેવાકાર્યો દ્વારા વિદેશથી પણ પોતાના વતન માટે મહેક પ્રસરાવી રહ્યા છે. તેઓના વતનપ્રેમી પરિવાર દ્વારા પોતાના વતનમાં છેલ્લા ઘણા વર્ષોથી પોતાના માદરે વતન તથા તેના આજુબાજુના ગામોમાં ઘણી બધી નાની મોટી સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે તે અંતર્ગત આજરોજ કાછલ ગામની પ્રાથમિક શાળા તેમજ ગામની બંને આંગણવાડીમાં કુલ ૯૮ બાળકોને સુંદર મજાના સ્વેટર ભેટમાં આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેઓએ અમેરિકાથી વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે અમે આજે જે કઈપણ સફળતા પ્રાપ્ત કરી છે એ અમારા વતનના લીધે છે. અમે અમારા વતનનું ઋણ ચૂકવી રહ્યા છીએ. અમારી આ નાનકડી ભેટ દ્વારા નાના બાળકોના ચેહરા ઉપર સ્મિતનું કારણ બનશે અને શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ માટેનું કારણ બનશે એ અમારા માટે ઘણી આનંદની વાત છે એમ તેઓએ જણાવ્યું હતું છે. આ ઉપરાંત તેઓ આવનારા દિવસોમાં બાળકોને સારું શિક્ષણ મળે તે હેતુથી ઘણી બધી પ્રવૃત્તિઓ હાથ ધરવાના છે એમ પણ તેઓએ જણાવ્યું હતું.શાળાના બાળકોને ઠંડી સામે રક્ષણ મેળવવા તેઓને સ્વેટરની ભેટ મળતા તેઓ ખૂબ ખુશ થઈને દાતાશ્રીઓ પ્રત્યે આનંદ સહ હર્ષની લાગણીઓ દર્શાવી હતી. આ પ્રસંગે કાછલ ગામના પૂર્વ સરપંચ નરેનભાઈ ચૌધરીએ દાતા પરિવારનો સમગ્ર કાછલ ગામ વતી આભાર વ્યક્ત કર્યો હતો.