‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૪: સુરત જિલ્લો’
ધરતી માતાના સ્વાસ્થ્ય માટે સરકાર અને ખેડૂતોનો સામૂહિક પ્રયાસ એટલે પ્રાકૃતિક ખેતી
પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં પ્રતિ એકર ૮૯૫ કિલો ગ્રામ નાઈટ્રોજન મળે છે: કૃષિપાકો માટે નાઈટ્રોજન સંજીવનીરૂપ
આઝાદી બાદ દેશની ખાદ્યાન્નની જરૂરીયાતને પૂરી કરવા હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવીએ તે સમયની માંગ હતી. પરંતુ રાસાયણિક કૃષિના કારણે જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થયા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન, અળસિયા અને મિત્ર જીવોની સંખ્યા તેમજ જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. જમીન બંજર બની રહી છે. રાસાયણિક કૃષિમાં કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે અને ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. પરંતુ હવે રાજ્યને આગામી વર્ષોમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુક્ત બનાવવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂતોને દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતીમાં પહેલા જ વર્ષે પૂરતું ઉત્પાદન મળે છે. તેમજ પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં પ્રતિ એકર ૮૯૫ કિલો ગ્રામ નાઈટ્રોજન છોડને ઉપલબ્ધ થાય છે. નાઇટ્રોજનનું આ પ્રમાણ ખેતી પાકની જરૂરિયાત કરતા લગભગ ૧૫ થી ૨૦ ગણું વધારે છે. આ નાઈટ્રોજનનું સ્થિરીકરણ જુદી જુદી રીતે થાય છે. જેથી એક એકરમાં મુખ્ય રૂપે સહજીવી પાકો સહિતના માધ્યમો દ્વારા નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે.
પ્રાકૃતિક કૃષિપદ્ધતિમાં દેશી અળસિયાંઓની ભૂમિકા બહુ જ મહત્ત્વપૂર્ણ હોય છે. અળસિયાં દ્વારા ૨૧૪ કિલો નાઈટ્રોજનનું પ્રતિ એકર સ્થિરીકરણ થઈ જાય છે. તે ઉપરાંત સહજીવી પાકોના રૂપમાં કઠોળ વર્ગના પાક નાઇટ્રોજન સ્થિરીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જમીનમાં રહેવાવાળા દેશી અળસિયાં જમીનના ભૌતિક ગુણધર્મમાં પણ નોંધપાત્ર સુધારો કરે છે. ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનાવવામાં આવેલ જીવામૃતથી અવિશ્વસનીય રીતે વૃદ્ધિ પામે છે. તેમાં રહેલી સુગંધ અળસિયાંને આકર્ષિત કરે છે, અને તેની સંખ્યામાં ચમત્કારિક વધારો કરે છે.
નાના તેમજ સીમાંત ખેડૂતોએ આર્થિક સમૃદ્ધ બનવા માટે ગાય આધારિત ઓછા ખર્ચવાળી પ્રાકૃતિક ખેતીને આગળ વધારવી પડશે. કારણકે, તેમાં ખેડૂતોને બજારમાંથી દવાઓ, રાસાયણિક ખાતર ખરીદવાની જરૂર રહેતી નથી. જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે, જે ખેતી માટે ખૂબ ઉપયોગી છે.
ગાય આધારિત ઘનામૃત બનાવવા માટે દેશી ગાયનું ગોબર ૧૦૦ કિલો ગ્રામ, ગૌમૂત્ર ૮ થી ૧૦ લિટર, ગોળ ૧ કિલો ગ્રામ, બેસન ૨ કિલો ગ્રામ, વૃક્ષ નીચેની માટી ૨૦૦ ગ્રામ સહિતના પદાર્થોને સારી રીતે એકબીજામાં ભેળવી દેવાનું. તેને ૨ દિવસ સુધી બોરીથી ઢાંકીને થોડું પાણી છાંટતું રહેવું. તેને તેટલું ઘાટું બનાવીને તે ઘનજીવામૃતને કપાસ, મરચી, ટમેટા, રીંગણ, ભીંડા, સરસવના બીજની સાથે જમીન ઉપર રાખી દેવું. તેની ઉપર સૂકું ઘાસ રાખીને ડ્રીપરથી સિંચન કરવું. જેનાથી ઉત્પાદનમાં શ્રેષ્ઠ પરિણામ આવે છે.
