કાછલ ગામે પ્રાથમિક શાળાના બાળકોને CSR ફંડ હેઠળ સાઈકલ વિતરણ કરવામાં આવી.
મહુવા તાલુકાના કાછલ ગામનાં પ્રાથમિક શાળાનાં ધોરણ ૮ ના ૧૬ બાળકો, કરચેલીયાના ૭૨ બાળકો અને શેખપુર ગામની પ્રાથમિક શાળાના ૩૩ બાળકો આમ કુલ ૧૨૧ બાળકોને CSR ફંડ હેઠળ સાઈકલ વિતરણ કાર્યક્રમ કાછલ ગામે પ્રાથમિક શાળા કાછલ ખાતે યોજાયો હતો. કંપની એક્ટની જોગવાઈ મુજબ કંપનીએ નાણાકીય વર્ષમાં કરેલ નફાના ૨ ટકા જેટલુ ફંડ સામાજિક ઉત્તરદાયિત્વ માટે ખર્ચ કરવાનું હોય છે તે માટે સુરત હજીરા સ્થિત કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા તેના CSR ફંડમાંથી સાત હજારની કિંમતની કુલ ૧૨૧ સાઈકલો શાળાના બાળકોને વિનામૂલ્યે વિતરણ કરીને જવાબદારી પૂર્વક પોતાની સામાજીક ફરજ નિભાવી હતી. પ્રાથમિક શાળા કાછલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કાછલ પ્રાથમિક શાળાનાં આચાર્ય ભુપેન્દ્રભાઈ ઢીમર દ્વારા હાજર રહેલા તમામનું શબ્દો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શેખપુર, કાછલ અને કરચેલીયા પ્રાથમિક શાળાના ધોરણ ૮ નાં કુલ ૧૨૧ વિધાર્થીઓને સાઈકલ વિતરણ કરવામાં આવી હતી. શાળાના બાળકોને નવી નકોર સ્પોટ સાઈકલ વિતરણ કરવામાં આવતા તેઓનો ખુશીનો પાર ન રહ્યો હતો. આ કાર્યક્રમમાં કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીનાં ક્લસ્ટર મેનેજર રીતેશભાઈ જરીવાલા, આસીસ્ટન મેનજર ચિંતનભાઈ પટેલ, સીનીયર એક્ષીક્યુટીવ ક્લાઈન્ટ સર્વિસ સોનલબેન પટેલ સહીત કાછલ ગામના સરપંચ કલ્પનાબેન ચૌધરી, એસએમસી અધ્યક્ષ આશાબેન ચૌધરી, ત્રણેય શાળાના આચાર્યશ્રીઓ સાથે ખુબ મોટી સંખ્યામાં વાલીઓ અને લાભાર્થી વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કંપનીનાં ક્લસ્ટર મેનેજર રીતેશભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે અમારી કંપની ગામડાની સરકારી પ્રાથમિક શાળાના ભણતા વિધાર્થીઓને શાળાએ જવા માટે અગવડ ન પડે અને વિધાર્થી સારી રીતે ઘરેથી શાળા અને શાળાથી ઘરે અવરજવર કરીને સારી રીતે ભણતર મેળવી શકે તે માટે અમારા CSR ફંડમાંથી સામાજીક જવાબદારીના ભાગરૂપે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ.અને આશા વ્યક્ત કરી રહ્યા છીએ કે વિધાર્થી તેના ભણવાના સ્થળે આવવા- જવા માટે આ સાઈકલનો ઉપયોગ કરીને ખુબ સારું શિક્ષણ મેળવે અમારી કંપનીનો હેતુ સાર્થક થાય એમ તેઓએ જણાવ્યું હતું. કાછલ ગામનાં પૂર્વ સરપંચ નરેનભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ગામડાની સરકારી શાળામાં ભણતા વિધાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે સાઈકલ લઈને શાળાએ જવાનું સ્વપ્ન ક્યારેક આજીવન સ્વપન જ બની જતું હોય છે ત્યારે કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા તેના CSR ફંડમાંથી ગામડાના વિધાર્થીઓને વિનામૂલ્યે સાઈકલ વિતરણ કરીને તેઓના સપનાને સાકાર કર્યું છે. તેના લીધે વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે અને વિધાર્થીઓમાં એક નવા આત્મવિશ્વાસનું સજર્ન થયું છે જેનાં લીધે તેઓ શિક્ષણમાં જરૂર સફળતા પ્રાપ્ત કરશે એવું તેઓએ જણાવી કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપનીનાં તમામ ડીરેક્ટરશ્રીઓનો કાછલ ગામ તેમજ શેખપુર અને કરચેલીયા ગામ પરીવાર તેમજ વાલીઓ વતી જાહેર આભાર વ્યક્ત કરી તેઓનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કાછલ પ્રાથમિક શાળાના શિક્ષક જયમીનભાઈ,અશ્વિનભાઈ,અશોકભાઈ,સેજલબેન સાથે કરચેલીયા અને શેખપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ ભારે જેહમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
