પાંડેસરા ખાતે ડાયાબિટીસમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ૧૫ દિવસની યોગ શિબિર યોજાઈ
શિબિરમાં ભાગ લેનારા ૨૦૦થી વધુ ડાયાબિટીસના દર્દીઓના સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘ડાયાબિટીસમુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ડાયાબિટીસ પીડિતો માટે પાંડેસરા ખાતે ૧૫ દિવસની યોગ શિબિર યોજાઈ હતી. ગત ૧૪મી નવે.થી શરૂ થયેલી આ શિબિરનો ઉદ્દેશ ડાયાબિટીસથી પીડિત દર્દીઓને યોગ, પ્રાકૃતિક ઉપચાર અને તંદુરસ્ત જીવનશૈલીના માધ્યમથી રોગમુક્ત બનાવવાનો હતો.
યોગ શિબિર દરમિયાન દરરોજ વહેલી સવારે ૬.૦૦ થી ૮.૦૦ દરમિયાન નિષ્ણાત યોગગુરૂઓ દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન સત્રો યોજાયા હતા. દરેક દર્દીને તબીબી નિદાન દ્વારા તેમના અનુકૂળ યોગ અભ્યાસના કાર્યક્રમમાં સામેલ કરાયા. આ ઉપરાંત, જીવનશૈલીમાં જરૂરી પરિવર્તનો અને આરોગ્યલક્ષી આહાર વિશે માર્ગદર્શન પણ અપાયું હતું. શિબિરમાં ભાગ લેનારા ૨૦૦થી વધુ દર્દીઓના સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના કારણે દર્દીઓએ વધુ ઊંઘની ગુણવત્તા, શારિરીક ઉત્સાહ અને માનસિક શાંતિ અનુભવી હતી. કાયમી આરોગ્યલક્ષી પરિવર્તન માટે દર્દીઓએ યોગને રોજિંદી જીવનશૈલીમાં સામેલ કરવાનો નિશ્ચય કર્યો. ડાયાબિટીસ મુક્ત ગુજરાતના ઉમદા મિશન તરફ આ શિબિર એક મહત્વનું પગથિયું સાબિત થઈ છે. લોકોમાં યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા પ્રત્યે જાગૃતતા લાવવા માટે યોગ બોર્ડના આ પ્રયાસે પ્રેરણાનું કામ કર્યું છે.
આ સત્રના પરિણામોથી પ્રેરાઈને દર્દીઓએ આવી વધુ શિબિરો આયોજિત કરવા યોગ બોર્ડને વિનંતી કરી છે. શિબિરના આયોજન અને સફળ અમલ માટે યોગ બોર્ડના કોચ, ટ્રેનરો અને સાધકોની ટીમે ઉત્તમ કામગીરી કરી હતી.
આ યોગ શિબિરના સમાપન સમારંભમાં ડો. પલક ત્રિવેદી, કોર્પોરેટર ડો.બળવંતભાઈ પટેલ, મનપાના હેલ્થ કોર્ડિનેટર ડૉ. પારુલ પટેલ, સમાજસેવક વાલજીભાઈ, SMC હેલ્થ ઓફિસર ડો. કિંજલ પટેલ, ડો. કૃષ્ણા અને વિનોદભાઈ સહિતના મહાનુભાવો અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
