સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિના ઉમેદવારોએ ત્રણ કોચિંગ સહાય યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા અનુરોધ.
કોચિંગ સહાય હેઠળ રૂા.૨૦ હજારની સહાય મળવાપાત્ર થશેઃ
સુરત:- સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિના વિદ્યાર્થીઓ/તાલીમાર્થીઓ માટે ત્રણ કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-૧, ૨ અને ૩)ની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનારા ઉમેદવારોને કોચિગ સહાય મળશે. અન્ય કોચીંગ સહાયમાં ઉમેદવારો નીટ, જેઈઈ, ગુજકેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટેની કોચિગ સહાય મળશે. ત્રીજી કોચીગ સહાય હેઠળ આઈ.આઈ.એમ., સી.ઈ.પી.ટી., નિફટ, એન.એલ.યુ. જેવી ઓલ ઈન્ડીયા લેવલની પરીક્ષાઓ તથા વિદેશ જવા માટેની પરીક્ષાની તૈયારીઓ માટે સહાય મળશે. ઉપરોકત ત્રણેય કોચિંગ સહાય માટે તાલીમાર્થીઓને પ્રોત્સાહન સહાય માટે રૂ.૨૦,૦૦૦ અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે મળવા પાત્ર થશે.
સહાય મેળવવા માટે ઉમેદવારોએ તા.૧૧/૧૧/૨૦૨૪ થી તા.૧૧/૧૨/૨૦૨૪ સુધી આનુષાંગિક પ્રમાણપત્રો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે. પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની નકલ બિડાણ કરી વિદ્યાર્થી/તાલીમાર્થી જે સંસ્થામાં તાલીમ મેળવતા હોય તે માટે સુરત જિલ્લામાં આવેલ જિલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા)ની કચેરીએ તા.૩૦/૧૨/૨૦૨૪ સુધીમાં જમા કરાવવાના રહેશે.
ઓનલાઈન અરજી કર્યાના તારીખથી તા.૨૮/૦૨/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન વિદ્યાર્થી/તાલીમાર્થીનું કોચિંગ ચાલુ હોવું જોઈએ. ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓની મંજુરીની પ્રક્રિયામાં બજેટ જોગવાઈ અને લક્ષ્યાંકને ધ્યાને લઈ બનાવવામાં આવનાર મેરીટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને નિયમોનુસાર અગ્રતાક્રમમાં સહાય ચુકવવામાં આવશે.
વિદ્યાર્થી/તાલીમાર્થીને પસંદ કરવાની સંસ્થાના ધારા ધોરણો અંગેની સંપૂર્ણ માહિતી વેબસાઈટ (https://sje.gujarat.gov.in/ddcw/Government-Resolutions) પર ઉપલબ્ધ છે.
ખાસ નોંધ : જિલ્લા કક્ષાએ તા.૩૦/૧૨/૨૦૨૪ સુધીમાં હાર્ડકોપી જમા ના કરાવેલ વિદ્યાર્થી/તાલીમાર્થીની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ તેમજ તા.૩૦/૧૨/૨૦૨૪ પછી જિલ્લા કક્ષાએ મળેલ હાર્ડ કોપીવાળી અરજીઓને પણ ધ્યાને લેવામાં આવશે નહિ જેની નોંધ લેવા નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
