ટેકનોલોજીના સ્પર્શથી ખેતીમાં આવ્યો હર્ષ : ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો
ગુજરાતમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૧.૨૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો
છેલ્લા બે દાયકામાં રાજ્યના ૧૫.૭૬ લાખથી વધુ ખેડૂતોએ ૨૪.૩૪ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી
સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ આ ૧૫.૭૬ લાખ ખેડૂતોને રૂ. ૮,૮૬૪ કરોડથી વધુની પ્રોત્સાહક સહાય અપાઈ
સૂક્ષ્મ સિંચાઈ અપનાવવામાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ, જૂનાગઢ દ્વિતીય અને રાજકોટ જિલ્લો તૃતીય ક્રમે
આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ, વર્ષ ૨૦૦૫માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (GGRC)ના માધ્યમથી “સૂક્ષ્મ સિંચાઈ યોજના” અમલમાં મૂકી હતી. ખેડૂતો પાણીના માર્યાદિત ઉપયોગથી વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફૂવારા, રેનગન અને પોરસ પાઈપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે.
પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ, છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે. વર્ષ મે-૨૦૦૫ થી માર્ચ-૨૦૨૫ સુધીમાં ગુજરાતના ૧૫.૭૬ લાખથી વધુ ખેડૂતોએ આશરે ૨૪.૩૪ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. આ ૧૫.૭૬ લાખ જેટલા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૮,૮૬૪.૨૫ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારનો ફાળો રૂ. ૫૫૩૮.૭૮ કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ. ૩૩૨૫.૪૭ કરોડ છે.
સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં ગુજરાતની હરણફાળ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ જેવી અદ્યતન પદ્ધતિ અપનાવવાની દિશામાં ગુજરાતે હરણફાળ ભરી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં આશરે ૧.૩૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. જ્યારે, ગત વર્ષ ૨૦૨૪-૨૫માં પણ આશરે ૧.૨૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો હતો. આ માટે ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ રૂ. ૬૦૫.૪૨ કરોડની સહાય આપવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારનો ફાળો રૂ. ૩૨૯.૪૨ કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ. ૨૭૬ કરોડનો છે.
સૂક્ષ્મ સિંચાઈમાં બનાસકાંઠા પ્રથમ ક્રમે
સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરેલ વિસ્તારની દૃષ્ટિએ ૪.૭૭ લાખ હેક્ટર વિસ્તાર સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને, ૧.૮૧ લાખ હેક્ટર વિસ્તાર સાથે જૂનાગઢ જિલ્લો દ્વિતીય સ્થાને તેમજ ૧.૩૨ લાખ હેક્ટર વિસ્તાર સાથે રાજકોટ જિલ્લો ત્રીજા સ્થાને છે.
મધ્યમ વર્ગના ખેડૂતોએ આપ્યો સૂક્ષ્મ સિંચાઈને વેગ
આ ઉપરાંત ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને વેગ આપવામાં રાજ્યના માધ્યમ વર્ગના ખેડૂતોનો ફાળો મહત્તમ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના ૮,૬૧,૮૩૩ મધ્યમ વર્ગના ખેડૂતોએ ૧૫.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. જ્યારે, રાજ્યના ૪,૮૩,૯૨૨ નાના ખેડૂતોએ ૫.૭૫ લાખ હેક્ટર વિસ્તારમાં, ૧,૭૬,૬૩૯ સીમાંત ખેડૂતોએ ૧.૧૯ લાખ હેક્ટર વિસ્તારમાં અને ૫૩,૬૨૨ મોટા ખેડૂતોએ ૧.૪૫ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવીને જળ સંચય અભિયાનને પણ વેગ આપ્યો છે.
મગફળી માટે ૧૦.૭૬ લાખ હેક્ટરમાં અપનાવી સૂક્ષ્મ સિંચાઈ
ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાયેલા કુલ ૨૪.૩૪ લાખ હેક્ટર વિસ્તાર પૈકી ૨૦.૦૨ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી પાકો માટે તેમજ ૪.૩૨ લાખ હેક્ટર વિસ્તારમાં બાગાયતી પાકો માટે ખેડૂતો દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે.
મુખ્ય ખેતી પાકોમાં મગફળી માટે ૧૦.૭૬ લાખ હેક્ટર, કપાસ માટે ૭.૩૫ લાખ હેક્ટર અને શેરડી માટે ૦.૧૬ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે, બાગાયતી પાકોમાં બટાટા પાક હેઠળ ૨.૧૧ લાખ હેક્ટર, કેળ પાક હેઠળ ૦.૩૨ લાખ હેક્ટર, આંબા પાક હેઠળ ૦.૧૮ લાખ હેક્ટર અને શાકભાજી પાકો હેઠળ ૦.૮૪ લાખ હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે.
ખેડૂત શક્તિ પોર્ટલ
ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ઘરે બેઠા જ પ્રી-રજીસ્ટ્રેશન કરાવીને અપનાવી શકે છે. પ્રી-રજીસ્ટ્રેશન માટે ખેડૂત પોતાનું “પુરૂ નામ – જિલ્લો – તાલુકો – ગામ”ના ફોર્મેટમાં લખીને GGRCના મોબાઈલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ પર SMS કરીને નોંધણી કરી શકે છે. આ ઉપરાંત GGRCની વેબસાઇટ “khedut.ggrc.co.in” ઉપર જઈને ખેડૂતો વિગતો દાખલ કરીને નોંધણી કરી શકે છે. અરજીની પૂર્વ નોંધણી બાદ GGRCના માન્ય સપ્લાયર્સ આગળની કાર્યવાહી કે માર્ગદર્શન માટે ખેડૂતોનો સંપર્ક કરશે.
