માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ
રૂ.૧૭.૬૧ કરોડના હાથ ધરાનાર વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપતા આદિજાતિ મંત્રી
વિકાસકામો માટે ગત વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૫-૨૬માં ૭૦ ટકા વધુ બજેટ ફાળવાયું: મંત્રી કુંવરજીભાઈ હળપતિ
જનસુવિધાના કામો સમયબદ્ધ, ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં થાય તે સુનિશ્ચિત કરવા જણાવી આગામી આયોજનના કામો સત્વરે આરંભાય તે માટે જરૂરી દિશા-નિર્દેશ આપતા આદિજાતિ મંત્રી
આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ અને શ્રમ-રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત માંડવી તાલુકા આદિજાતિ વિકાસ મંડળના વર્ષ ૨૦૨૫-૨૬ દ્વારા વિકાસકામોના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી મંત્રીશ્રીએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ જણાવ્યું કે, ગત વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૭૦ ટકા વધુ બજેટ ફાળવાયું છે. બેઠકમાં વર્ષ ૨૦૨૫-૨૬માં કૃષિ, પશુપાલન, ડેરી વિકાસ, ગ્રામ્ય વિકાસ, નાની સિંચાઈ, માર્ગ અને પુલો, સામાન્ય શિક્ષણ, તબીબી અને આરોગ્ય, શ્રમ રોજગાર, પોષણ તેમજ મધ્યાહન ભોજન યોજના સહિતના વિવિધ ૨૩ વિભાગો માટે કરાયેલી જોગવાઈ અંતર્ગત કુલ ૧૭.૬૧ કરોડથી વધુના બજેટનું આયોજન કરવામાં આવ્યું છે, જેને મંત્રીશ્રીએ મંજૂરી આપી હતી. સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને ઉત્તમ નસલની ગીર ગાય આપવા મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. નાની સિંચાઈ યોજનામાં સોલર આધારિત બોર, કોઝવે, સિંચાઈ માટે ડ્રિપ ઈરીગેશનના કામો તેમજ પ્રાથમિક શાળા શિક્ષણમાં ઓરડા, શૌચાલય, કોમ્પ્યુટર રૂમનું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં મંત્રીશ્રી એ વર્ષ ૨૦૨૪-૨૫માં મંજૂર થયેલા પ્રગતિ હેઠળનાં કામોની સમીક્ષા કરી હતી, તેમજ ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં વિવિધ યોજના હેઠળના કામોની જોગવાઈઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે સ્થળ ફેરફાર કરવાલાયક કામોના સ્થળ ફેરફાર કરી નવેસરથી દરખાસ્ત કરવા માટે જણાવ્યું હતું. ઉપરાંત જનકલ્યાણ, જનસુવિધાના કામો સમયબદ્ધ, ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં થાય તે સુનિશ્ચિત કરવા જણાવી આગામી આયોજનના કામો સત્વરે આરંભાય તે માટે જરૂરી દિશા-નિર્દેશ આપ્યા
બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી શ્રી સુનિલ (IAS), તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઇજનેરો, સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
