વહેવલ ગામે દિવાળી પર્વ નિમિત્તે વિસરાતા જતા નૃત્ય ઘેરૈયાની શરૂઆત કરવામાં આવી.
હવે આદિવાસી સમાજમાં પણ ઘેરૈયા નૃત્ય મર્યાદિત થઈ ગયું છે. જોકે, ઘેરૈયાની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને પ્રયાસ કરી રહ્યા છે.જેમાં મહુવા તાલુકાના વહેવલ ગામે હટવાળા ફળિયાના વડીલો તેમજ યુવાનો દ્વારા દિવાળી પર્વ નિમિત્તે આ ઘેરૈયા નૃત્યની શરૂઆત કરવામાં આવી છે.
ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારને ઉજવવાની એક આગવી પરંપરા હોય છે. દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું પરંપરાગત ‘ઘેર નૃત્ય’ એટલે ઘેરૈયા નૃત્ય જે ધીરે ધીરે લુપ્ત થઇ રહ્યું છે. હવે આદિવાસી સમાજમાં પણ મર્યાદિત થઇ ગયું છે. જોકે, ઘેરૈયાની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને પ્રયાસ કરી રહ્યા છે. આ નૃત્યમાં માત્ર પુરુષો જ હોય છે. જેઓ માતાજીનો પહેરવેશ ધારણ કરીને રાસ ગરબા રમે છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ઘેરૈયા નૃત્યના પ્રકાર
ઘેરૈયા નૃત્ય કરતા વ્યક્તિને અર્ધનારેશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘેરૈયા નૃત્ય ગાવાના ઘણા બધા પ્રકારો છે જેમાં માણસના જન્મથી લઈને મૃત્યુ સુધીની ગાથા ગાવામાં આવે છે. જેમાં બાળકનો જન્મ થાય ત્યારે, નાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય, ઘોડીએ ચઢાવવામાં આવે ત્યારે, લગ્ન ન થતા હોય ત્યારે લેરિયું ગાવામાં આવે છે. વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના પિતૃની યાદમાં ગામ લોકો આ નૃત્ય ગવડાવે છે.
ઘેરૈયા જ્યાં જાય ત્યાંથી દુ:ખ દૂર થાય છે: ઘેરૈયાઓ અલગ અલગ મંડળીઓ બનાવી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દૂર દૂર સુધી ઘેર લઇને જાય છે. તેઓ નવરાત્રી દરમિયાન ઘેરૈયા નૃત્યની રમઝટ બોલાવતા હોય છે. સામાન્ય રીતે એવી લોકવાયકા પ્રચલિત છે કે ઘેરૈયા મંડળીઓ જે ઘેરે જાય છે તેના પરિવારનું કલ્યાણ થાય અને દરેક પ્રકારની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. ઘરમાં પ્રવેશ કરતા માંદગી પણ દૂર થઈ જાય છે.
‘કવિયો’ ગીત ગાય છે:
ઘેરૈયાની ટુકડીના મુખ્ય માણસ નાયક્ને ‘કવિયો’ કહેવામાં આવે છે. કવિયો ગીત ગાય છે અને બીજા ઘેરૈયાઓ તે ઝીલે છે. ઘેરૈયાનો પંરપરાગત પોશાક સાડી, ડબલ ફાળનું ધોતિયું, ચોળી, ઝાંઝર, કેડે ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડાં તથા માંથે ફેટો, એક હાથમાં દાંડીયો, બીજા હાથમાં મોરપિંછ, પગમાં મોજા અને જોડા વગેરેનો શણગાર કરી શિવ-શક્તિ સ્વરુપ ધારણ કરે છે. ત્યારે હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી આ પરંપરાગત ગરબો હાલ લુપ્ત થતો જાય છે. જેને ટકાવી રાખવા આજે પણ ઘેરૈયાઓ મથામણ કરી રહ્યા છે.ઘેરૈયા નૃત્ય કરતા લોકો જણાવે છે કે, આદિવાસી સમાજની આ વર્ષો જૂની પરંપરા છે જેને આદિવાસી સમાજ ખૂબ પસંદ કરે છે. અમે અમારા વિસ્તારમાં અને અન્ય વિસ્તારોમાં મંડળી બનાવી આ ઘેરૈયા નૃત્ય કરી આરાધના કરીએ છીએ અને અમારા આ વારસાને સાચવવાનો પ્રયાસ કરીએ છીએ. તથા આવનાર પેઢી પણ આ વારસાને આગળ વધારે તેવી આશા રાખીએ છીએ.ત્યારે મહુવા તાલુકાના વહેવલ ગામે વિસરાતા જતા નૃત્ય ને જાળવી રાખવા આધુનિક યુગમાં ઘેરૈયા નૃત્ય ની શરૂઆત કરવામાં આવી છે જે હાલ મહુવા તાલુકા માટે ગૌરવ પૂર્ણ બાબત છે