દીકરીઓના અભ્યાસ માટે રાજ્ય સરકારે શરૂ કરેલી નમો લક્ષ્મી યોજનાને મળ્યો બહોળો આવકાર
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી કન્યાઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરતી નમો લક્ષ્મી યોજના
‘નમો લક્ષ્મી યોજનાએ મારા ઉચ્ચ શિક્ષણના સ્વપ્નને સાકાર કરવાની સાથે પરિવાર પરનું આર્થિક ભારણ ઓછું કર્યું છે:’ લાભાર્થી નિકિતા પટેલ
નમો લક્ષ્મી યોજનામાં દીકરીઓને ચાર વર્ષમાં મળે છે કુલ રૂ. ૫૦,૦૦૦ની આર્થિક સહાય
હવે આર્થિક અગવડતાને કારણે દીકરીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત નહીં રહે
સુરત:બુધવાર: રાજ્યની દીકરીઓ ભણીગણીને ઉચ્ચ મુકામ હાંસલ કરે તેવા ઉમદા હેતુ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કન્યાઓના શિક્ષણ અને પોષણની કાળજી લેવા માટે શિક્ષણ વિભાગે ‘નમો લક્ષ્મી યોજના’ આ વર્ષે અમલમાં મૂકી છે. રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના હેઠળ ધો.૯ થી ૧૨માં એમ ચાર વર્ષમાં રૂ. ૫૦,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે.
ગરીબ અને મધ્યમવર્ગીય કિશોરીઓ માટે આશીર્વાદરૂપ આ યોજનાનો લાભ લેનાર ૧૭ વર્ષીય નિકિતા કાંતિભાઈ પટેલ સુરત શહેરના જહાંગીરાબાદ સ્થિત ધ રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કુલમાં ધો.૧૧ કોમર્સમાં અભ્યાસ કરે છે. ચોર્યાસી તાલુકાના જૂના ગામની રહેવાસી નિકિતા જણાવે છે કે, આજના આધુનિક યુગમાં દરેક દીકરી ઉચ્ચ અભ્યાસ કરી આગળ વધવાનું સ્વપ્ન સેવે છે, તેમ હું ઉચ્ચ અભ્યાસ સાથે સ્પોર્ટ્સમાં આગળ વધવા ઈચ્છા ધરાવુ છું.
માતા-પિતા, બે બહેનો અને એક ભાઈ સાથે પાંચ સભ્યોનો પરિવાર ધરાવતી નિકિતા કહે છે કે, મારા પિતાજીની નાની કરિયાણાની દુકાન છે. જેથી અમારા બધા ભાઈ બહેનો માટે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવું કોઈ પડકારથી ઓછું નથી. પરંતુ નમો લક્ષ્મી યોજના અમારી વ્હારે આવી છે. આ યોજનાની ખાસીયત એ છે કે, દીકરી હાલમાં ધો.૧૧માં અભ્યાસ કરે છે. તો પણ તેને ધો.૯ અને ૧૦ની સહાય પણ મળશે. આમ કુલ રૂ.૫૦ હજારની આર્થિક સહાયથી આર્થિક સધિયારો મળ્યો છે. તેણી કહે છે કે, મારા ઉચ્ચ શિક્ષણના સ્વપનને સાકાર કરવાની સાથે પરિવાર પરનું આર્થિક ભારણ પણ ખૂબ ઓછું થયું છે. અમારા જેવા આર્થિક રીતે નબળા પરિવાર માટે રૂ.૫૦ હજારની સહાય ખૂબ મોટી રકમ છે.
નિકિતા જણાવે છે કે, મારા જેવી અનેક દીકરીઓ જે આગળ અભ્યાસ કરવા ઇચ્છતી હોય પરંતુ પરિવારની આર્થિક તંગીને કારણે ઘણીવાર પોતાના ઉચ્ચ અભ્યાસની ઈચ્છા પૂર્ણ નથી કરી શકતી અને શાળામાંથી અધવચ્ચે અભ્યાસ છોડવા મજબૂર બનતી હોય છે, ત્યારે આ યોજના આશાના દીપ સમાન છે.
નમો લક્ષ્મી યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણનો લાભ મેળવતી નિકિતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા કહે છે કે, હવે આર્થિક અગવડતાને કારણે દીકરીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત નહીં રહે.