મહુવાના નિહાલીમાં બાઇક વ્યવસ્થિત ચલાવવાનું કહેતા 2 યુવકો કે 4 વાહનમાં આગ ચાંપી.
સુરત,મહુવા:-નિહાલી ગામના પટેલ ફળિયામાં કુટુંબ પરિવાર સાથે રહેતા અને ખેતી કરી ગુજરાત ચલાવતા નિતીનસિંહ પ્રવિણસિંહ ઠાકોર શનિવારની સાંજે દેદવાસણ ગામે આવેલા તેમના ખેતરમાં કામકાજ કરી પોતાની મોટરસાયકલ ઉપર ઘરે પાછા આવી રહ્યા હતા. નિહાલી ગામમાં આવેલા એક સાંકડા રસ્તા ઉપર થી તેઓ ઘર તરફ પસાર થઈ રહ્યા હતા. આ સમયે સામેથી મોટરસાયકલ ઉપર આવેલા મયંક જ્યોતિષ પટેલ રહે. કવિઠા,તા. મહુવા તથા વિકાસ અનિલ પટેલ રહે. નિહાલી,તા. મહુવા નામના યુવાનો ગમે તેમ હંકારતા ખેડૂત નીતિનસિંહ ઠાકોરે તેમને રસ્તાની એક તરફ વ્યવસ્થિત હંકારવા જણાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈ જતા બંને યુવાનોએ 53 વર્ષીય ખેડૂતને નાલાયક પ્રકારની ગાળો આપી જાનથી મારી નાખવાની અને મોટરસાયકલ સળગાવી દેવાની ધમકી આપી હતી. લાચાર ખેડૂત ચૂપ રહી પોતાના ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ ગત રાત્રિના 1:00 એક વાગ્યાના સુમારે તેઓ પોતાના ઘરે સુતા હતા તેવા સમયે અચાનક ઘર આંગણે બાંધેલા તેમના પશુઓ ના ભાંભરવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા હતા. પોતાના ઘર બહાર આવીને જોતા તેમણે પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ, તેમના પુત્રની એકટીવા મોપેડ પુત્ર એ ખરીદેલી અન્ય એક સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા તેઓના ઘરની હુંડાઈ ઇયોન કાર મળી કુલ ચાર વાહનો સળગી રહ્યા હોવાનું જોયું હતું. પોતાના પુત્ર અને ઘરના સભ્યોને ઉઠાડી તેઓએ પાણીનો છંટકાવ કરી આગ ઓલવી હતી. જે દરમિયાન બધા વાહનો મળી કુલ રૂ.2.90 લાખ ની મતા નું નુકસાન જણાતા ખેડૂત નીતિનસિંહ ઠાકોરે તેમને ધમકી આપી ચૂકેલા મયંક પટેલ, વિકાસ પટેલ તથા અન્ય કોઈ હોય તેવા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આપતા મહુવા પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.