માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ
અરજદારે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ
માનવ કલ્યાણ યોજના વર્તમાન વર્ષ ૨૦૨૫–૨૬ માટે રાજય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ ગાંધીનગરની કચેરી દ્વારા માનવ કલ્યાણની યોજનાની કામગીરી પારદશર્ક બને તેવા આશયથી ઘર બેઠા અરજી કરી શકે તે માટે ઓનલાઈન અરજીની વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજના નબળા વર્ગના લોકો, જેમણે નાના પ્રકારના ધંધા કે રોજગાર શરૂ કરવા હોય, તેમને તેમના વ્યવસાયને અનુરૂપ સાધન-ઓજાર સહાયરૂપે આપવામાં આવે છે. જેમાં અથાણા બનાવટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ, દુધ-દહી વેચાણ, પંચર કીટ, પાપડ બનાવટ, પ્લમ્બિંગ, બ્યુટી પાર્લર, ભરતકામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ તથા સેન્ટીંગ કામ વગેરે માટે સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે અરજદારોએ https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. નજીકના CSC સેન્ટર પરથી ઓનલાઈન કરી શકાય છે. જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલમાં મુકવામાં આવતી આ યોજના સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને માટે કોઈ પણ એજન્ટ, દલાલ કે અનધિકૃત વ્યક્તિને અરજી પ્રક્રિયામાં જોડાવાની કોઈ માન્યતા આપવામાં આવી નથી તેમ સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.
