નારિયેળી પૂનમ એટલે સાગર ખેડુઓ માટે અતિ મહત્વનો દિવસ ગણાય છે. આ દિવસે દરિયા દેવની પૂજા કરવાની પરંપરા માછીમાર સમુદાયના લોકોએ હજુ પણ જાળવી રાખી છે. વિધિવત્ દરિયાની પૂજા કરીને નારિયેળ પધરાવી પછીથી પોતાની નાવડીઓ દરિયાના ખોળે મુકાય છે. નારિયેળી પૂનમ ટાણે બધી હોડીઓ કિનારે લાંગરીને દરિયા સહિત માછીમારી માટે જરૂરી સાધન એવી નાવડીઓનું પણ પૂજન કરવામાં આવતું હોય છે. માછીમારી માટે દરિયો ખેડતા કોઈને પણ કોઈ નુકસાન ન પહોંચે તે માટે દરિયાલાલને પ્રાર્થના કરવામાં આવ્યા બાદ મધદરિયે દરિયાઈ ખેતી માટે માછીમાર સમુદાયના લોકો ઉતરતા હોય છે. આ પૂજા દ્વારા બારે માસ દરિયા દેવ માછીમાર ભાઇઓનું રક્ષણ કરે છે એવી આસ્થા સાથેની પરંપરા મુજબ દરેક માછીમારો નાળિયેર લઇને પૂજામાં બેસે છે.
આ પરંપરા અનુસાર દક્ષિણ ગુજરાતના માછીમાર સમાજ દ્રારા નારિયેળી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માછીમારોએ દરિયાદેવનું પૂજન અર્ચન કરી નવી સિઝનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લાના બીલીમોરા નજીકના ધોલાઈ બંદરે લાંગરેલી સંખ્યાબંધ હોડીઓ સાથે અનોખાં દ્રશ્યો સર્જાયા હતા.