મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે જાપાનના મુંબઈ સ્થિત કૉન્સ્યુલ જનરલ
જાપાન-ભારત-ગુજરાતના પરસ્પર મજબૂત સંબંધો અને સ્ટ્રેટેજીક ગ્લોબલ પાર્ટનરશીપ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને આભારી છે
વાયબ્રન્ટ સમિટ ની ઉત્તરોત્તર જ્વલંત સફળતાઓમાં જાપાન ની સહભાગીદારીની પ્રસંશા કરતા મુખ્યમંત્રીશ્રી
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક.
•ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ
રાજ્ય સરકાર જાપાનના ઉદ્યોગોને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીન પસંદગી અને ફાળવણીમાં જરૂરી મદદ કરશે: મુખ્યમંત્રીશ્રી
ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપના ૫૦ વર્ષમાં બિઝનેસ-ઇકોનોમી સાથે કલ્ચરલ રિલેશન્સ પણ વધુ સંગીન બન્યા છે: જાપાન કૉન્સ્યુલ જનરલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત કૉન્સ્યુલ જનરલ શ્રી યાગી કોજીએ ગાંધીનગરમાં લીધી હતી.
તેમણે ગુજરાતની તેમની આ મુલાકાતને આનંદદાયક ગણાવતા મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં કહ્યું કે, જાપાન-ભારત-ગુજરાતના પરસ્પર મજબૂત સંબંધો અને સ્ટ્રેટેજિક ગ્લોબલ પાર્ટનરશીપ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને આભારી છે.
બે રાષ્ટ્રો વચ્ચે બિઝનેસ અને ઇકોનોમી ક્ષેત્રના સંબંધોની નવી દિશા આના પરિણામે ખુલી છે અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાએ જાપાનના અનેક ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કર્યા છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની જાપાન મુલાકાત ફળદાયી નીવડી છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
જાપાનના કૉન્સ્યુલ જનરલશ્રીએ ઉમેર્યું કે, વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સુઝુકી મોટર્સે ગુજરાતમાં પોતાના એક્સપાન્શન પ્રોજેક્ટની જાહેરાત કરેલી છે.
એટલું જ નહિં, જાપાનની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ પણ ભારતની કંપનીઝ સાથે કોલૅબરેશન કરીને ગુજરાતમાં આવવા ઉત્સુક છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉત્સુકતાની સરાહના કરતાં કહ્યું કે, આવા પ્રોજેક્ટ્સ માટે જરૂરી સ્થળ અને જમીન પસંદગી તથા ફાળવણીમાં રાજ્ય સરકાર જરૂરી મદદ કરશે.
મુખ્યમંત્રીશ્રીએ વાયબ્રન્ટ સમિટ ની ઉત્તરોત્તર જ્વલંત સફળતાઓમાં જાપાન ની સહભાગીદારી ની પ્રસંશા કરી હતી.
જાપાનના કૉન્સ્યુલ જનરલ શ્રી યાગી કોજીએ આ બેઠકની વાતચીત દરમિયાન કહ્યું કે, ઓટોમોબાઇલ અને સેમિકોન ઉપરાંત રિન્યુએબલ એનર્જી, ગ્રીન એમોનિયા પ્રોજેક્ટમાં પણ ગુજરાત સાથે રોકાણની સંભાવના રહેલી છે.
તેમણે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મેટ્રો રેલ, ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર વગેરેમાં જાપાનની પ્રેઝન્સ છે તેને વધુ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વિસ્તારવા અંગે પરામર્શ કર્યો હતો.
ગુજરાતમાં જે જાપાનીઝ કંપનીઓ અને ઉદ્યોગો કાર્યરત છે તેમને રાજ્ય સરકારનો સંપૂર્ણ સહયોગ મળે છે તે માટે કૉન્સ્યુલ જનરલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપના પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે બિઝનેસ અને ઇકોનોમી સેક્ટર સાથે કલ્ચરલ રિલેશન પણ વધુ સંગીન બને તે માટેના આયોજનો ગુજરાતમાં જાપાનના ઓનરરી કાઉન્સેલ શ્રી મુકેશ પટેલ કરી રહ્યા છે તે અંગે પણ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કૉન્સ્યુલ જનરલને કચ્છના હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર થયેલ સ્મૃતિભેટ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના સલાહકાર અને મેટ્રો રેલ કોર્પોરેશનના ચેરમેન શ્રી રાઠૌર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા વરિષ્ઠ અધિકારીઓ અને ગુજરાતમાં જાપાનના ઓનરરી કાઉન્સેલ શ્રી મુકેશ પટેલ આ મુલાકાત બેઠકમાં જોડાયા હતા.
