સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામની સ્માર્ટ પ્રાથમિક શાળાનું સ્માર્ટ શિક્ષણ
આધુનિક શિક્ષણની બોલબાલા વચ્ચે પરંપરા અને નીતિગત મૂલ્યોને જાળવી રાખતા શાળાના બાળકો
વિદ્યાર્થીઓનું સંસ્કારી શિક્ષણ પદ્ધતિથી થઈ રહ્યું છે જ્ઞાનસિંચન
સ્કૂલ ઓફ એકસલન્સ મિશન હેઠળ વિદ્યાર્થીઓને મળતી સુવિધા થકી ખાનગી શાળાઓના બાળકો પણ શાળામાં મેળવી રહ્યા છે પ્રવેશ
શાળામાં એમ્ફી થિયેટર મોડેલ થકી બગીચાની વચ્ચે ખુલ્લા થિયેટરના આકારમાં બનાવવામાં આવેલા ઓરડામાં વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે
ગ્રીન પ્રોજેક્ટ હેઠળ શાળામાં ૧૦૦૦થી વધુ વૃક્ષો જતન કરી ગ્રીન શાળા બનાવવા તરફ આગેકૂચ : મુખ્ય શિક્ષક અમિતભાઈ પટેલ
શાળામાં બાળક રડતું નહીં, પણ ‘હસતું’ આવે તે શાળા શ્રેષ્ઠ કહેવાય. ભાર વગરના ભણતર સાથેનું જોયફૂલ લર્નિંગ જ બાળકનો સર્વાંગી વિકાસ કરે છે. આ વાતની પ્રતીતિ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશતા થયા વિના ન રહે. ૬૫ વર્ષ જૂની પ્રાથમિક શાળામાં પટાંગણથી લઈ સ્માર્ટ ક્લાસ સુધી સુધાર પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં આજે શાળાની તસવીર સંપૂર્ણ બદલાઈ ચૂકી છે. શાળા તો સ્માર્ટ બની જ, સાથોસાથ અહીંના બાળકોને શિક્ષણ પણ સ્માર્ટ મળી રહ્યું છે. ઉત્સાહી ગ્રામજનો અને શિક્ષકોના માર્ગદર્શન અને સહકારમાં બાળકોએ ભારતીય પરંપરા અને નીતિગત મૂલ્યોને જાળવી રાખ્યા છે.
અસ્નાબાદની આ શાળાના બાળકો શાળાને વિદ્યાનું મંદિર માનતા હોવાથી વર્ગખંડની બહાર બુટ-ચપ્પલ કાઢવાનો આગ્રહ રાખે છે. શાળાની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. સુઘડ, સ્વચ્છ પટાંગણ, ઓરડાઓમાં અભ્યાસ કરતા બાળકો નાનપણથી અભ્યાસની સાથોસાથ સ્વચ્છતાના પાઠ ભણી રહ્યા છે. ચારે બાજુ સુંદર ફૂલછોડ અને ઉછરતા વૃક્ષો જોઈને એવું લાગે જાણે કોઈ બગીચામાં આવ્યા હોઈએ.
શાળાના HTAT મુખ્ય શિક્ષક અમિતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈ.સ.૧૯૫૯માં શાળાની સ્થાપના થઈ હતી. સમય જતા અભ્યાસ માટે આવતા બાળકોમાં ક્રમશ: વધારો થતા સ્કૂલ ઓફ એકસલન્સ મિશન હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮માં નવી શાળા બનાવાઈ. હાલ શાળામાં બાલવાટિકા થી ધો.૮ સુધીમાં ૨૦૭ દીકરા અને ૧૫૩ દીકરીઓ મળી કુલ ૩૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. અમે શાળાને નંદનવન સમાન બનાવવાનું ધ્યેય રાખ્યું છે, જેથી શાળાએ આવતું બાળક ન કંટાળે. વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઝળક્યા છે, ખેલ મહાકુંભ, કલામહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ સિદ્ધિઓ મેળવી છે.
સ્કૂલ ઓફ એકસેલન્સ મિશન હેઠળ આધુનિક, સ્વચ્છ અને સ્માર્ટ શાળામાં વિશાળ સ્માર્ટ વર્ગખંડો, કમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, એક્ટિવિટી રૂમ, પ્રાર્થના હોલ, સાંસ્કૃતિક હોલ અને મધ્યાહન ભોજન શેડ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત અસ્નાબાદ પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા વર્ષોથી ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટને વેગ આપવામાં આવી રહ્યો છે. અહીં બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે પ્રકૃતિના સવંર્ધનના પાઠ શાળામાં તૈયાર કરાયેલા ઔષધિ બાગ અને કિચન ગાર્ડનમાં બેસાડી શીખવાડવામાં આવે છે. તો બાળકોને વૃક્ષારોપણ અને છોડ ઉછેર શીખવવા સહિત ઔષધિઓ અને વનસ્પતિઓની વિશેષતા વિશે સમજણ આપીએ છીએ. ઔષધિ ગાર્ડનમાં તુલસી, શતાવરી, ગુગળ, શેતુર, ગળો, જામફળ, મોસંબી, ચીકુ, બીલી, સપ્તપદી, સાગ, ચંદન, વાંસ, કૈલાસપતિ, ચંપો, સહિતની ઔષધિઓ અને ધાર્મિક વૃક્ષ, ફળફળાદિ ઉપરાંત કિચન ગાર્ડનમાં શાકભાજીઓ ઉગાડવામાં આવે છે. આ શાકભાજીનો ઉપયોગ મધ્યહનભોજનની રસોઈમાં કરવામાં આવે છે.
આધુનિક મકાન સિવાયની વિશેષતાઓ પર નજર કરીએ તો, ગણિત, વિજ્ઞાન, ભાષાકીય જ્ઞાન, સામાજિક જ્ઞાન સાથે બાલ પ્રોજેક્ટ, ગ્રીન પ્રોજેક્ટ જેવા વિવિધ મોડ્યુલ્સ આધારિત બાળકોને ગમ્મત અને પ્રકૃતિ વચ્ચે રહી જ્ઞાનસિંચન કરવામાં આવી રહ્યું છે. બાલ પ્રોજેક્ટ દ્વારા શાળાની દિવાલો અને દાદર પર એબીસીડી, બારાક્ષરી, ઘડિયા, કવિતા, પક્ષીના નામના ચિત્રો બનાવવામાં આવ્યા છે, જેથી રમત-ગમ્મત સાથે બાળકો અભ્યાસ પણ કરી શકે છે. ઉપરાંત બાળકો બહાર ખુલ્લામાં શાંત ચિત્તે અભ્યાસ કરી શકે એ માટે બગીચાની વચ્ચે શાળામાં એમ્ફી થિયેટર આકારનો ઓરડો બનાવવામાં આવ્યો છે, જેમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ખુલ્લા વાતાવરણમાં અભ્યાસ કરાવે છે.
અહીં બાળકો માટે કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર, આઉટડોર રમતો રમવા માટેનું ગ્રાઉન્ડ, પ્રાર્થના ખંડ, ભોજન ખંડ, પીવાના શુદ્ધ પાણી માટે મિનરલ વોટર પ્લાન્ટ, આધુનિક લાઈબ્રેરી પણ છે. આ શાળામાં વૃક્ષોનું પ્રમાણ એટલું છે કે આ પટાંગણ જ ગ્રીન કેમ્પસ બની ગયું છે.
વધુમાં તેમણે કહ્યું કે, શાળાની સુવિધા જોઈ ખાનગી શાળાઓના બાળકો પણ આ શાળામાં પ્રવેશ મેળવવા માટે આવી રહ્યા છે. ત્રણ કિલોમીટર દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે. ઉપરાંત, હાલ ગ્રીન પ્રોજેક્ટ હેઠળ શાળામાં ૧૦૦૦થી વધુ વૃક્ષો જતન કરી ગ્રીન શાળા બનાવવા તરફ આગેકૂચ કરી છે. અન્ય સરકારી અને ખાનગી શાળાના બાળકો, શિક્ષકો પણ સમયાંતરે શાળાની મુલાકાતે આવે છે.
