એક રાતી પાઈ પણ નહીં આપું’ કહી મહેસૂલ વધારા માટે અંગ્રેજો સામે બાંયો ચઢાવનાર હાંસજીભાઈ ધોડિયા
‘મિલકત બચાવવા દંડ નહીં ભરશો, અને દંડ ભરશો તો ગામમાં પગ નહીં મૂકું.’
આઝાદીનું આંદોલન તબક્કાવાર અલગ-અલગ કાર્યક્રમો દ્વારા આગળ વધતું હતું. એ દરમિયાન એમાં કેટલાય લોકોએ અમાનુષી અંગ્રેજ સરકારના સાથ છોડીને એમની સામે જંગનું એલાન કર્યું હતું. મૂળ અલગટ ગામના અને પછીથી લસણપોર સ્થાયી થયેલા એવા આદિવાસીઓ આઝાદી ચળવળના રંગે રંગાયેલા હતા. તેમાંના એક આદિવાસી સ્વતંત્રતાસેનાની હાંસજીભાઈ ઝીણાભાઈ ધોડિયાના પરિવારની કુરબાની પણ ઊડીને આંખે વળગે એવી છે. આ ગામના લોકો પર અંગ્રેજ સરકારનો જૂલમ વધી જતાં હિજરત કરીને જતા રહેતા હતા. પરંતુ ખેતી કરવા તો પાછું આવવું જ પડે તેવું હતું.
ઇ.સ.૧૯૩૨માં વિરોધ થયો. અંગ્રેજો દ્વારા ૨૨ ટકાના મહેસૂલ વધારાની સામે સરદાર પટેલ દ્વારા મહેસૂલ નહીં ભરવાની હાંકલ કરાતાં સુખી-સંપન્ન પરિવારના હાંસજીભાઈએ સરકારના લોકોને રોકડું પરખાવી દીધું હતું કે, ‘એક રાતી પાઈ પણ નહીં આપું.’ આમ તેમણે વિરોધ કરતાની સાથે જ તેમને સાબરમતી જેલમાં પૂરી દેવાયા તેમજ તેમની મિલકતની લીલામીની તૈયારી કરવામાં આવી હતી. ત્યારે પણ જેલમાંથી ખમીરવંતા હાંસજીભાઈએ પરિવારને સંદેશો આપ્યો હતો કે, ‘મિલકત બચાવવા દંડ નહીં ભરશો, અને દંડ ભરશો તો ગામમાં પગ નહીં મૂકું.’
ઇતિહાસની વાત તપાસીએ ત્યારે આપણે સૌએ આપણા વિસ્તારના સ્વતંત્રતાસેનાનીઓની દેશ પ્રત્યેની ખુમારી ઝનૂન માટે આપણે ગર્વ લેવાની વાત છે. તો આપણા વિસ્તારના કેટલાય સ્વતંત્રતાસેનાનીઓએ તમામ કામો પડતાં મૂકી આઝાદીના જંગમાં અંગ્રેજો સામે બાંયો ચઢાવી હતી. જેમ જેમ આઝાદી ચળવળનો ઇતિહાસ તપાસીએ તેમ તેમ ભવ્ય વારસાની પ્રતીતિ જોવા મળશે. એ હાંસજીભાઈ લસણપોર ખાતે આવી ને રહ્યા હતા. હાલ એમનો પરિવાર લસણપોર જ સ્થાયી છે.
