સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો પશુપાલકો માટે કામધેનુ પુરવાર થયેલી ધી સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકમાં સાડા સાંત વર્ષ પહેલા ભાજપે સત્તા સંભાળી હતી.ભાજપે સુમુલ બાદ બેંકમાં મેન્ડેટ થી સત્તા મેળવતા સુરત અને તાપી જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે.ભાજપે બેંકના પ્રમુખ ઉપપ્રમુખની યોજયેલ ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરી નવા ચેહરા તરીકે પ્રમુખ પદે બળવંતભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે સુનિલભાઈ પટેલની નિમણૂક કરી હતી.ત્યારબાદ બેંકના પ્રમુખ,ઉપપ્રમુખ સહિત એમ.ડી મહાવીરસિંહ ચૌહાણ સહિતના અધિકારીઓ અને ધારાસભ્યની ઉપસ્થિતિમા યોજાયેલ બેઠકમાં બંને જિલ્લાની સહકારી શુગર ફેક્ટરી, અન્ય સહકારી સંસ્થા અને હોસ્પિટલમાં બેંકના પ્રતિનિધિ તરીકે ડિરેક્ટરોની વરણી કરવામાં આવી હતી.જેમાં મહુવા તાલુકામાંથી વિજેતા બનેલ બેંકના ડિરેક્ટર એવા કોષ ગામના બાલુભાઈ ખુશાલભાઈ પટેલની આગામી 2023 થી 2026 સુધીના વર્ષ માટે બામણિયા ગામે આવેલ મહુવા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિ ઉપર બેંકના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ ઉપરાંત અનાવલ વિભાગ મોટા કદની ખેડૂતોની સેવા સહકારી મંડળી અને લસણપોર વિભાગ મોટા કદની ખેડૂતોની સેવા સહકારી મંડળીમા પણ બેંક પ્રતિનિધિ તરીકે નિમણૂક કરાતા તેમના સમર્થકોમા ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.
