ચૂંટણી ફરજ પરના અધિકારી, કર્મચારીઓએ અઠવાલાઈન્સ સ્થિત MTB કોલેજ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કે.જે. રાઠોડ અને સુરત સિટી પ્રાંત વી.જે. ભંડારી સહિત ૮૨૬ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
ARO, AARO, નોડલ ઓફિસર, FST, SST ટીમના કર્મચારીઓ, BLO, ઝોનલ ઓફિસરોએ પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કર્યો
લોકસભા ચૂંટણી સામાન્ય ચુંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે સુરત જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વ હેઠળ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-૧૨ ડી તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે આજરોજ ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી-કર્મચારીઓએ અઠવાલાઈન્સ સ્થિત એમટીબી કોલેજ કેમ્પસમાં ઉભા કરાયેલા આદર્શ મતદાન કેન્દ્ર પર પોસ્ટલ બેલેટથી મત આપી વોટીંગ પ્રક્રિયામાં સહભાગી થયા હતા.
પોસ્ટલ બેલેટથી વોર્ટીગની પ્રક્રિયામાં સમગ્ર દિવસ દરમિયાન ૮૨૬ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અઠવાલાઈન્સ સ્થિત એમટીબી કોલેજ ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે. જે. રાઠોડ, સુરત સિટી પ્રાંત અધિકારીશ્રી વી.જે.ભંડારી, પૂણા મામલતદારશ્રી આર.જે.પટેલ, AARO હિમાશુંભાઈ બારોટ, પોસ્ટલ બેલેટ નોડલ ઓફિસર રાજેન્દ્રસિંહ રાઠોડ સહિત ચૂંટણી ફરજમાં જોડાયેલ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
