લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪
બારડોલી પાર્લામેન્ટમાં સમાવિષ્ટ કામરેજ વિધાનસભામાં સાત મહિલા સંચાલિત ‘સખી’ મતદાન મથકો ઉભા કરાશે
‘સખી મતદાન મથક’માં મતદાન સ્ટાફ તરીકે મહિલા કર્મચારી જ ફરજ બજાવશે
આગામી તા.૭મી મેના રોજ લોકશાહીના મહાપર્વમાં મહિલા મતદારો વધુમાં વધુ સહભાગી બને અને લોકશાહીનું મહાપર્વ ઉજવે તે હેતુથી ચૂંટણી પંચ વિવિધ થીમ બેઈઝ મતદાન મથકોને પ્રાધાન્ય આપી રહ્યું છે. જેના ભાગરૂપે બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ ૧૫૮-કામરેજમાં વિધાનસભા મતવિસ્તારમાં સાત જેટલા મહિલા સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે.
આ સાત મતદાન મથકો ‘નારી શક્તિ’ના પ્રતીક બનશે. આ મહિલા સંચાલિત મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિ. ઓફિસર, પોલીંગ ઓફિસર તથા સુરક્ષા માટે પણ મહિલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે.
મહિલા સંચાલિક મતદાન મથકોનો વિગતો જોઈએ તો, કામરેજ વિધાનસભા વિસ્તારના ૧૩૨-ઓરણા ગામ સ્થિત ઓરણા પ્રાથમિક શાળા, ૧૩૮-જોખા ગામ ખાતે જોખા પ્રાથમિક શાળાના રૂમ નં.-૨, ૧૩-કરજણ ગામ ખાતે પ્રાથમિક શાળા કરજણના રૂમ નં.-૨, ૨૦-દેરોદ ગામે દેરોદ પ્રાથમિક શાળા, ૧૪૧-વાવ ગામે વાવ પ્રાથમિક શાળા, ૧૪૫-વાવ ગામે SRP ગ્રુપ વાવની પ્રાથમિક શાળા, ૦૭-નવી પારડી ગામે નવી પારડી પ્રાથમિક શાળા ખાતે મહિલા સંચાલિત સખી મતદાન મથક ઉભા કરાશે. જેથી મહિલા મતદારોને વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
