લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
જિલ્લા ચુંટણી અધિકારી ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશર અનુપમસિંહ ગેહલોતે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી
મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ-વ્યવસ્થાઓ ઉભી કરવા અંગે માર્ગદર્શન આપતા જિલ્લા ચુંટણી અધિકારી
સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે સુરત-૨૪ બેઠકમાં આવતા ૭ વિધાનસભા મતવિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવામાં તા.૭મી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે, જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી અને શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોતએ ૨૫-નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભટારની એસ.એમ.સી.પ્રાથમિક શાળા(મિક્ષ સ્કુલ) નં.૧૫,૫૨, ખટોદરાની એસ.એમ.સી આંગણવાડી નં.૫૪,૫૬, બમરોલીની શારદા વિદ્યાલય તથા પાંડેસરા ગામની સુમન હાઇસ્કુલ નં.૧૫, ઉધનાની સમિતિ કેરલા ઇંગ્લીશ મિડીયમ સ્કુલ, લિંબાયતની ન્યુ મોડેલ સ્કુલ, લિંબાયતની એમ.પી.લીલીયાવાલા વિદ્યાભવન, ડીંડોલીની સનરાઇઝ વિદ્યાલય અને માતૃભુમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરીને જે-તે વિધાનસભાના ચુંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે વિવિધ બુથ પરની જરૂરી સુવિધા, પાર્કિંગ, વરિષ્ઠ અને અશક્ત મતદાતાઓ માટે વ્હીલચેર સહિત ઉભી થનાર અન્ય પ્રાથમિક સુવિધાઓ વિષે જાતમાહિતી મેળવી હતી.
આગામી તા.૦૭મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન મહત્તમ મતદાન થાય, વધુને વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે એવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે કલેક્ટરશ્રીએ સુરત શહેર-જિલ્લામાં આવતી ૯ વિધાનસભાઓમાં મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ-વ્યવસ્થાઓ ઉભી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.