કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા સહેલાણીઓને આપવામાં આવ્યો મતદાનનો સંદેશ ભીમપોર અને ડુમસ દરિયા કાંઠે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય, સુરત જિલ્લા વહીવટી તંત્ર અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આજે નવસારી લોકસભાનાં વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે.
જે અંતર્ગત આજે નવસારી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ચોર્યાસી તાલુકાના ભીમપોર દરિયા કાંઠે સાંજે 5 વાગે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રજા માણવા આવેલા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. નાટક મંડળી દ્વારા લોકોને ચોક્કસ મતદાન કરી પોતાની ફરજનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.
જ્યારે બીજો કાર્યક્રમ ડુમસ દરિયા કાંઠે કરવામાં આવ્યો હતો. રવિવારની સાંજે અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેમને મતદાનનાં મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી. આદિવાસી કલાકાર વિકાસ મંડળ, અમદાવાદ દ્વારા નાટકની ભજવણી કરી મનોરંજનની સાથે સરળ ભાષામાં મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બંન્ને કાર્યક્રમમાં લોકોએ જાતિ, ધર્મ વગેરેથી બહાર આવી અચૂક મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મતદાન મથકમાં રાખવામાં આવતી તકેદારી, ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશન જેવી કે સક્ષમ, વોટર હેલ્પલાઇન અને સી વિજિલ એપની જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને અતિથીઓના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં સુરત મનપાનાં આસી. કમિશ્નર અને સ્વીપ નોડલ અધિકારી અજય ભટ્ટ, હજીરા નિર્દિષ્ટ વિસ્તારના ચીફ ઓફિસર અર્જુનભાઈ વસાવા, ચૂંટણી શાખાનાં ડે. ઇજનેર સુનિલભાઈ રાજભોઈ, સિદ્ધાર્થ પ્રજાપતિ અને તેમની ટીમ તેમજ નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા, મનોજ દેવીપૂજક અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રીય સંચાર બ્યુરોના ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, રોશનભાઈ પટેલ અને અમૃતભાઈ સોનેરીએ જહેમત ઊઠાવી હતી.