નવસારીના ખેરગામના અલ્પશિક્ષિત મહિલા શમશાદબેન મુલ્લા એક વીઘામાં ગુલાબની ખેતી અને તેનું મૂલ્યવર્ધન શરૂ કરી પગભર બન્યાં
સુરત મિલેટ એક્ષ્પોમાં આવેલા શમશાદબેન ઓર્ગેનિક પ્રોડક્ટસ બનાવી આત્મનિર્ભર બન્યા: દેશ-વિદેશમાંથી મળી રહ્યા છે ઓર્ડરો
ગુલાબમાંથી વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટસની બનાવટ અને વેચાણ કરી મહિને રૂ. ૬૦ હજારની આવક રળી રહ્યાં છે
સરકાર દ્વારા યોજાતા મેળાઓથી પ્રસિદ્ધિ મળતા દેશવિદેશમાં અમારી ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ વધી છેઃ શમશાદબેન મુલ્લા
સુરતઃશનિવારઃ અંતરિયાળ વિસ્તારના અને ઓછો અભ્યાસ કર્યો હોવા છતાં નવસારી જિલ્લાના ખેરગામના મહિલા ખેડૂત શમશાદબેન મુલ્લાએ પોતાની આગવી સુઝબુઝથી ગુલાબની ખેતી અને તેનું મૂલ્યવર્ધન શરૂ કરી પગભર બન્યાં છે. વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટસનો પોતાનો બિઝનેસ શરૂ કરી મહિને રૂ.૬૦ હજારની આવક મેળવી તેઓ આત્મનિર્ભર બન્યાં છે. તેઓ બે દીકરીઓ, દીકરો અને પતિની મદદથી ગુલાબમાંથી ગુલકંદ, ગુલાબજળ, ફેસ પેક, આયુર્વેદિક હેર ઓઇલ, ગુલાબ-તુલસી-આમળા-ગળોના પાવડર, મીઠા લીમડા- કરીયાતુ- મામેજવા-નીમ-સતાવરી-સરગવાના પાન- સરગવાની શીંગ-ભૃંગરાજ જેવા વિવિધ પાવડર, વેજંતીની માળ સહિતની અનેક ચીજવસ્તુ બનાવી તેનું દેશ અને પરદેશમાં વેચાણ કરે છે. સરકાર દ્વારા યોજાતા મેળાઓથી પ્રસિદ્ધિ મળતા દેશવિદેશમાં અમારી ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ વધી હોવાનો મત તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
સુરતના મજુરાગેટ સ્થિત શ્રી દયાળજી અનાવિલ કેળવણી મડળ, દયાળજી દેસાઇ ચોક ખાતે તા.૩ માર્ચ સુધી આયોજિત ત્રિદિવસીય મિલેટ એક્ષ્પોમાં ઓર્ગેનિક પ્રોડક્ટસના વેચવા માટે આવેલા શમશાદબેન ઝાકીરહુસેન મુલ્લા ખેરગામમાં એક વીઘા જમીનમાં ગુલાબની ખેતી દ્વારા શિક્ષિત અને નોકરિયાત કરતા પણ વધુ કમાણી કરે છે.
શિક્ષિત હોવું એ આજના આધુનિક યુગમાં અનિવાર્ય છે, પરંતુ શિક્ષણ ન મેળવવા છતાં કોઠાસૂઝથી આગળ વધવું શક્ય છે આ વાતને શમશાદબેને પૂરવાર કરી છે. મહિલા ખેડૂત અને સશક્ત નારીના રૂપમાં તેમણે આગવી ઓળખ અને નામના પણ મેળવી છે.
શમશાદબેન જણાવે છે કે, આજથી ૧૪ વર્ષ પહેલા ખેતમજૂરી કરતાં હતા. પછાત વિસ્તારમાં વર્ષો પહેલા મહિલાઓને શિક્ષણ માટે કોઈ પ્રોત્સાહન ન હતું. પણ મને કાંઈક નવું કરવાની અને સ્વરોજગારીની ધગશ હતી. જેથી ખેતી ગુલાબના છોડમાંથી વિવિધ ઓર્ગેનિક પ્રોડકટસ બનાવવાનું કામ શરૂ કર્યું અને તેના થકી સારી રોજગારી મળવાની શરૂ થઈ હતી.
શરૂઆતના સમયમાં રસ્તા પર બેસી પોતાની બનાવેલી પ્રોડક્ટસનું વેચાણ કરતી હતી. ઉપરાંત, વિવિધ એક્ઝિબીશન, મેળાઓમાં ભાગ લેવાનું શરૂ કરી ધીરે ધીરે આગળ વધતી ગઈ. આ કામથી હવે હું મહિને ૬૦ હજારની આવક મેળવી રહી છું. ગુલાબમાંથી બનાવેલી ઓર્ગેનિક પ્રોડક્ટની પરદેશમાં પણ માંગ રહે છે. પ્રવાસીઓ ઓર્ગેનિક વસ્તુની ખરીદી કરવા મારા ગામમાં આવે છે એમ તેઓ જણાવે છે.
અગાઉ શમશાદબહેને એકલા હાથે બિઝનેસની શરૂઆત કરી હતી અને પછી પરિવારજનોનો સાથ મળતો ગયો. અનેક મુશ્કેલીઓ આવી છતાં હાર્યા વગર આગળ વધતા ગયા. આજે તેઓ અનેક ગ્રામીણ મહિલાઓ માટે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે.
