જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકે મોબાઇલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
સુરત જિલ્લામાં ૨ મોબાઈલ નિદર્શન વાનના માધ્યમથી ઈ.વી.એમ તથા વી.વી.પેટનું નિદર્શન કરાશે
———
મતદાર જાગૃતિ માટે ઓડિયો-વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ-EVM ડેમોન્સ્ટ્રેશન સાથેની મતદારોને માહિતગાર કરાશેઃ
સુરત:બુધવાર: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે. ત્યારે, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી સુરત સંસદીય મતદાર વિભાગ માટે EVMના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ બે LED વાનને સુરત જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકે જિલ્લા સેવા સદન ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. સુરત જિલ્લાના તમામ મતદાર વિભાગમાં મોબાઇલ નિદર્શન વાનના માધ્યમથી ઈ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે.
આ મોબાઈલ નિદર્શન વાન આગામી તા.૨૯મી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી સુરત જિલ્લાના શહેરી / ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળા, કોલેજ, APMC, દૂધ મંડળી, ગ્રામ પંચાયત તથા શહેરી વિસ્તારની કોલેજો, યુનિ.ઓ, ફૂડ મોલ, બાગ-બગીચાઓ સહિતનાં કુલ ૧૮૧૮ પોલિંગ સ્ટેશન (PSL) વિસ્તારોમાં પહોંચીને ઈ.વી.એમ. તથા વી.વી.પેટના ઉપયોગ વિશે નિદર્શન કરીને મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરશે.
આ પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.જે.રાઠોડ તથા આર.સી.પટેલ, સિટી પ્રાંત અધિકારીશ્રી વી.જે.ભંડારી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડી.એસ.શાહ, મામલતદારશ્રી પ્રતિક ઝાખડ તથા એન.જે.ચૌધરી સહિત ચૂંટણી શાખાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.