ઓલપાડ તાલુકાના શેરડી ગામના ખેડૂત પરિવારને મળ્યો કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ
આયુષ્માન કાર્ડ યોજનાએ આરોગ્યની દરેક સુવિદ્યાઓ ઉપલબ્ધ કરાવી છે: લાભાર્થી હંસાબેન પટેલ
‘સર્વે સન્તુ સુખિન: સર્વે ભવન્તુ નિરામયા’સંસ્કૃત સુભાષિતની આ પંક્તિને સરકારની આયુષ્માન ભારત યોજના સુપેરે સાર્થક કરી છે. સૌને સ્વાસ્થ્ય લાભ થાય અને દેશની જનતા નિરામય જીવન પ્રાપ્ત કરે એ માટે આયુષ્માન ભારત યોજના હેઠળ રૂપિયા દસ લાખ સુધીની શ્રેષ્ઠ સારવાર સરકાર માન્ય ખાનગી હોસ્પિટલમાં કરાવી શકે છે.
વેલફેર સ્ટેટના સિધ્ધાંતને વરેલી સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો સીધો જ લાભ દેશના નાગરિકોને મળતા થયો છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભથી અદનામાનવીને પણ જીવન જીવવું સરળ બન્યું છે. આરોગ્યની સુર્દઢ સેવા દેશના ગ્રામીણસ્તર સુધી પહોંચી છે જેનું એક પ્રત્યક્ષ ઉદ્દાહરણ ઓલપાડ તાલુકાના શેરડી ગામના લાભાર્થી હંસાબેન પટેલનો પરિવાર છે.
ઘૂંડણના અસહ્ય પીડાથી મુક્ત થતા ઓલપાડ તાલુકાના શેરડી ગામે રહેતા 60 વર્ષિય હંસાબેન પટેલે કહ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી ઘુંટણનો દુ:ખાવો થતો હતો. દુ:ખાવાના કારણે ચાલવા બેસવામાં ભારે તકલીફ પડતી હતી. દરેક કાર્ય માટે વહુનો સહારો લેવો પડ્તો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં નિદાન કરાવ્યું તો ઘૂંટણની ઢાંકણીમાં ઘસારો થતો હોવાનું જણાયું અને સ્નાયુઓની પકડ નબળી પડતા વધુ દુખાવો થતો હતો. અને આયુષ્માન કાર્ડ અંતર્ગત ઓપરેશન કરવું પડે તેમ હતું. ત્યારે પ્રાઈવેટ હોસ્પિટલમાં દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થશે એમ કહેતા પરિવારજનોને ચિંતા મુકાયા હતા. પરંતુ કેન્દ્ર સરકારની આરોગ્ય સુવિધા આયુષ્માન કાર્ડ અંતર્ગત સુરતની પ્રાઈવેટ હોસ્પિટલમાં ઘૂંટણની ઢાંકણીનું ઓપરેશન કર્યું હતું જે તદ્દન નિશુલ્ક થયું હતું. ઓપરેશન કરાવ્યાના 20 દિવસમાં જ હું મારા પગભેર ફરી ચાલતી થઈ ગઈ છું અને ઘરના કામ સાથે મારી દૈનિક ક્રિયા પણ જાતે જ કરી શકું છું. આ તો સારુ કહેવાય કે, સરકારે અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે રહેવા, જમવા સાથે આરોગ્યની સંભાળ રાખી રહી છે એ બદલ વહીવટી તંત્ર અને સરકારશ્રીનો આભારી રહી એમના ઋુણી રહીશું