પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી ૭૫ દીકરીઓનો અનોખો સમૂહલગ્ન ‘માવતર’ સમારોહ યોજાયો

Facebook
Twitter
WhatsApp
Telegram

પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી ૭૫ દીકરીઓનો અનોખો સમૂહલગ્ન ‘માવતર’ સમારોહ યોજાયો

સવાણી પરિવારના આંગણેથી પિતાવિહોણી ૭૫ દીકરીઓની લાગણીસભર વિદાય

સવાણી પરિવાર દ્વારા ‘માવતર’ નામે ૧૨માં વર્ષે લાગણીભીનો લગ્નોત્સવ: મહેશભાઈ સવાણી હવે ૪૯૯૨ દીકરીઓના પાલક પિતા બન્યા

મહાનુભાવોના આશીર્વાદ સાથે દીકરીઓને પિતાની હૂંફ અને સાથ, પતિનો હાથ અને દાંપત્યજીવનનો સંગાથ મળ્યો

રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું

સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

ગુજરાતને ગૌરવ અપાવનાર તેજસ્વી JEE(IIT) અને NEET ના તારલાઓનું સન્માન
 જીવનદીપ ઓર્ગન ડોનેશન ટ્રસ્ટના નેજા હેઠળ અંદાજે ૨૫૦૦૦ લોકોએ અંગદાનના શપથ લીધા
 શ્રીરામ મંદિર, અયોધ્યા નિર્માણ નિમિત્તે મહેમાનોને હનુમાન ચાલીસા અર્પણ કરાઈ

પી.પી.સવાણી સાથે સંકળાયા પછી આજીવન દીકરીઓની સેવા કરતાં ૧૭ જેટલા સહયોગીઓનું ભવ્ય સન્માન
સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘માવતર’ નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી ૭૫ દીકરીઓના અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ માવતર યોજાયો હતો.
મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ સમૂહ લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ ઢબુક્યા અને સંગીતના સુરાવલિઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો સંગમ સર્જાયો હતો. સવાણી પરિવારના આંગણેથી પિતાવિહોણી ૭૫ દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું હતું.
છેલ્લા ૧૨ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ૪૯૯૨ દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતની સમુહલગ્નની પરંપરા સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે. પિતાવિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતી થાય છે. દેશમાં જૂજ ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો આવી ઉદ્દાત ભાવના સાથે તેમજ નિઃસ્વાર્થભાવે લગ્નોત્સવ યોજે છે. લગ્ન બાદ પણ મહેશભાઈને દીકરીઓની ચિંતા કરીને સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી પાટીલે ઉમેર્યું કે, સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. સગો પિતા ન કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે. પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ બની ગઈ છે.
મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ હતું કે, સવાણી પરિવારે પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરવાની ઉમદા અભિગમે અનેક ઉદ્યોગકારો, સમાજ શ્રેષ્ઠીઓને પ્રેરણા પૂરી પાડી છે. હું પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે. આ તમામ દીકરીઓ પ્રત્યેની આજીવન જવાબદારી નિભાવનાર મહેશભાઈ સવાયા પિતા બની રહ્યા છે.
આ પ્રસંગે પી.પી. સવાણી ગ્રુપના શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, બે દીકરીઓથી શરૂ કરેલો લગ્નોત્સવ આજે ૧૨મો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. ૨૨ દીકરીઓ સિવાયની તમામ દીકરીઓને માતા-પિતા કે ભાઈ પણ નથી. જેથી આ સમારોહને માવતર નામ આપ્યું છે. આ સમુહ લગ્ન સમારોહના માધ્યમથી પિતા તરીકેની જવાબદારી વહન કરવાનું કાર્ય કર્યું છે. દીકરીઓને શિખામણ આપતા કહ્યું કે, સૌને સાથે રાખીને પરિવારને એક તાંતણે બાંધી રાખજે. સૌને સાથે રાખી એક અને નેક બની પરિવારની તમામ જવાબદારીઓ અને દામ્પત્યજીવનને ઉજાળજે.
હજારો દીકરીઓના પાલક પિતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ૭૫ પૈકી ૩૫ દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા-પિતા કે ભાઈ પણ નથી. ૨૫ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી ચૂકી છે. બે દીકરી તો મૂકબધિર છે. એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તરપ્રદેશથી દામ્પત્યજીવનની શુભ શરૂઆત કરવા સુરત આવી છે.
પી.પી.સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, અમે માત્ર કન્યાદાન કરી ને કે કરિયાવર આપતા નથી, પણ પિતાની જવાબદારી હું નિભાવું છું. જેમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે.
આ વેળાએ દેશના પ્રખ્યાત થ્રી ડી આર્ટિસ્ટ હસમુખ માણિયાએ સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીનું આબેહૂબ થ્રીડી પેઈન્ટીંગ બનાવ્યું હતું. આ ચિત્રની ભેટ વલ્લભભાઈને આપવામાં આવી હતી.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય સર્વશ્રી સંગીતાબેન પાટીલ અને પ્રવીણભાઈ ઘોઘારી, એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના એમ.એસ.બિટ્ટા, પ્રયોશા પ્રતિષ્ઠાન- ડાંગના શ્રી પી.પી.સ્વામી, સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણી, સહિત અનેક મહાનુભાવો, સાજન માજન ઉપસ્થિત રહ્યા હતા.

આજીવન દીકરીઓની સેવાના ૧૭ સારથિઓનું ભવ્ય સન્માન

પી.પી.સવાણી પરિવાર અને મહેશભાઇ સવાણી દીકરીઓના જેમ પાલક પિતા બન્યા છે એવી જ રીતે એમની સાથે સંકળાઈને બીજા અનેક લોકો પણ પોતાની સતત અને અવિરત સેવા આપતા હોય છે. લગ્ન પછી કોઈ આ દીકરીઓને મફત તબીબી સેવા આપે તો કોઈ બ્યુટી પાર્લરની, કોઈ રસોઈ કળા શીખવે તો કોઈ દીકરીઓના હનીમુન અને હરવા-ફરવાની વ્યવસ્થા કરે છે. આ લોકો આર્થિક સહયોગ સાથે પોતાનો કિમતી સમય પણ આપતા હોય છે.

IITJEE – NEET ના તેજસ્વી તારલાઓનું સન્માન

આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર એવા બે વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. જેમાં એક ધો.12 સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં નંબર 1 પ્રાપ્ત કરનાર યુગ રમેશભાઈ ખોખરીયા અને બીજો વિદ્યાર્થી કે જેમણે ગુજકેટ પરીક્ષામાં 120/120 માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં તેમણે પણ નંબર 1 પ્રાપ્ત કર્યો છે. તે બન્ને વિદ્યાર્થીઓ થકી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુસર બન્ને વિદ્યાર્થીઓને રૂ. 1,11,111/- નો ચેક અર્પણ કરાયો હતો. આ બંને વિદ્યાર્થીઓએ વિનામૂલ્યે પી.પી.સવાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અંગદાન અંગે જાગૃતિ ફેલાવી

પી પી સવાણી ગ્રુપ , સુરતમાં કાર્યરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નેજા હેઠળ ‘માવતર’ લગ્નપ્રસંગે ઉપસ્થિત ૨૫૦૦૦થી વધુ લોકોને એકસાથે ઓર્ગન ડોનેશનના શપથ લેવડાવ્યા હતા. સાથે જ લગ્ન સમારોહમાં મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ઓર્ગન ડોનેશનના સંદેશાથી થયુ હતું.

હનુમાન ચાલીસા અર્પણ કરીને મહેમાનોનું સ્વાગત

આગામી મહિને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને જેની રાહ વિશ્વના લોકો જોઈ રહ્યા છે, એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ નિમિતે આસ્થા અને ભગવાન શ્રી રામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા આર્પણ કરવામાં આવી હતી.
ટ્રીપો જંગલ પ્રા. લિ. દ્વારા પી.પી.સવાણી ગ્રુપની દીકરીઓની “માવતર” રૂપી ગંગા સ્વરૂપ ૧૫૦ બહેનોને ૬ દિવસ રહેવા, જમવા, આવવા – જવાનો તમામ સુવિધા સહિત ફકત ૧૦૦૧ રૂપિયામાં અયોધ્યા દર્શન કરાવવા માટે લઈ જવામાં આવશે.

વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી

કન્યા વિદાયે સૌની આંખો ભીંજાઈ આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા -પિતા અને પરિવારનું હૈયુ હચમચાવી મૂકે છે. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશભાઇને ભેટીને દીકરીઓ સાસરે ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં અનાવલ : મહુવા તાલુકાના કોસ ગામે આવેલ એક ઘરમાં આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા 

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા  સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા! ઇમરજન્સી પ્રસુતિ

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરતમાં આજરોજ તા.4/01/2025 ના રોજ સુરત જિલ્લાના મહુવા