નારિયેળની બિનઉપયોગી કાચલીમાંથી ગૃહ સુશોભનની અવનવી ચીજવસ્તુઓ બનાવતા શંકરભાઈ શ્રીમાળી
‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા મેળા’માં મુલાકાતીઓને આકર્ષી રહી છે બનાસકાંઠાના કલાકારની કાચલીની અનોખી કલાકૃતિઓ
કાચલીમાંથી બનાવ્યા ચા-કિટલી, જ્વેલરી બોક્સ, છોડના કુંડાઓ, ગણેશજી, રમકડા, ફલાવરવાઝ જેવા શો-પીસ
‘GI મહોત્સવ’ના આયોજન થકી વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ સરકારનો આભાર માનતા શંકરભાઈ
ધાર્મિક દ્રષ્ટિએ નારિયેળનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. મોટાભાગના લોકો નારિયેળની કાચલીને ફેંકી દેતા હોય છે, પરંતુ આ કાછલીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવી શકાય છે. જેનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.૨૫મી સુધી આયોજિત ‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળામાં ભાગ લઈ રહેલા શંકરભાઈ ધર્માભાઈ શ્રીમાળીએ. બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામના વતની શંકરભાઈ નારિયેળની બિનઉપયોગી કાચલીમાંથી ગૃહ સુશોભનની અવનવી ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરી રહ્યા છે. તેઓની અનોખી કલાકૃતિઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
ઘરને સુંદર રીતે સુશોભિત કરવા માટે નારિયેળની કાચલીમાથી વિવિધ સાજ સજાવટની વસ્તુઓ બનાવી શકાય છે. બર્ડ ફીડર, જ્વેલરી બોક્સ, મીણબત્તી સ્ટેન્ડ, છોડના કુંડાઓ, ચા-કિટલી, વાઈન ગ્લાસ, બુદ્ધા, શ્રી ગણેશજી અને દેવદેવીઓ, રમકડા, કળશ, બાઉલ, પ્રાણી પક્ષીઓની કલાકૃતિઓ, ફલાવરવાઝ, શરબત ગ્લાસ, ટી કપ જેવા શો-પીસ સહિત અનેક ચીજો શંકરભાઈ બનાવે છે.
શંકરભાઈ જણાવે છે કે, સરકારે વેચાણ પ્લેટફોર્મ આપવાના ઉમદા હેતુ સાથે યોજેલા ‘GI’ મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ મેળામાં સ્વસહાય જૂથો દ્વારા નિર્મિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી નાના ગૃહઉદ્યોગોને આધાર મળી રહ્યો છે. હું છેલ્લા ૧૦ વર્ષથી આ કલા વડે આજીવિકા મેળવું છું અને અત્યાર સુધીમાં દ્વારકા, વડોદરા, ભરૂચ, અમદાવાદ, કેવડિયા, સુરત વગેરે સ્થળોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા વિવિધ ૨૦ થી વધુ મેળાઓમાં ભાગ લઈ ચૂક્યો છું. રૂ.૧૦૦ થી લઈ ૧૦૦૦ સુધીની કાચલીની ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરૂં છું.
તેઓ પોતાની અનોખી કલા રસ ધરાવતા યુવાનો કે અન્ય નાગરિકોને વિનામૂલ્યે શીખવવા પણ ઉત્સુક છે જેથી કલા વારસો જળવાઈ રહે અને અન્યને પણ રોજગારી મળી રહે એમ તેમણે ઉત્સાહથી જણાવ્યું હતું.
GI મહોત્સવ, ODOP હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળાના આયોજન થકી વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ સરકારનો આભાર માનતા શંકરભાઈ કહે છે કે આ પ્રકારના પ્લેટફોર્મથી ગૃહ ઉદ્યોગ અને નાના સ્વસહાય જૂથોને ઘણી જ રાહત મળે છે અને નફાનું પ્રમાણ પણ વધે છે.
નોંધનીય છે કે, વનિતા વિશ્રામ ખાતે તા.૨૫ સુધી આ હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળો સવારે ૧૦.૦૦થી રાતે ૧૦.૦૦ સુધી મુલાકાતીઓ માટે ખૂલ્લો રહેશે.