૨૩ ડિસેમ્બર: રાષ્ટ્રીય ખેડૂત દિવસ
કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સુરત જિલ્લાના ૧,૩૫,૩૯૧ ખેડુતો લાભાન્વિત થયા
સુરત જિલ્લામાં ૪૧ હજારથી વધુ ખેડૂતોએ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી
પ્રાકૃતિક કૃષિ ઝુંબેશના પરિણામે રાસાયણિક ખેતીથી થતા નુકસાન અંગે લોકોમાં જાગૃતિ વધી
સુરત:શુક્રવાર:- તા.૨૩ ડિસેમ્બર- રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ચૌધરી ચરણસિંહના જન્મદિવસ- ૨૩ ડિસેમ્બરને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના વિકાસમાં ખેડૂતો દ્વારા અપાતા મહત્વના યોગદાનને બિરદાવવા ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચૌધરી ચરણસિંહે ખેડૂતોના ઉત્કર્ષ તથા કૃષિ ક્ષેત્રના વિકાસમાં કરેલી કામગીરીને બિરદાવવા તેમના જન્મ દિવસની ખેડૂત દિવસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય વર્ષ ૨૦૦૧માં લેવાયો હતો.
સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના, રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના માધ્યમ દ્વારા મેળવે તેવો સરકારનો હેતુ છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પીએમ કુસુમ યોજના જેવી કેટલીક ખેડૂતલક્ષી યોજનાઓ શરુ કરી ખેડૂતોને તેનો લાભ મળે તે માટે સરકાર કામ કરી રહી છે.
રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત સુરત જિલ્લાના ખેડૂતોને કૃષિ ક્ષેત્રેમાં ઉત્થાન માટે વર્ષ ૨૦૨૩માં ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે ઉપરાંત ખેડૂતો ડિજિટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે માટે સુરત જિલ્લામાં ૪૫૭ લાભાર્થી ખેડૂતોને ૨૬ લાખથી વધુની સહાય આપવામાં આવી છે. ડ્રોન ટેકનોલોજી થકી સુરત જિલ્લામાં ૬૦૦૦ એકરમાં નેનો યુરિયા છંટકાવ માટે ૧૫ લાખની સહાય ખેડૂતોને સહાય આપવામાં આવી છે. એસટી/એસસી સુગરકેન યોજનામાં શેરડીના વાવેતર માટે હેકટર દીઠ ૧૦ હજારની સહાયમાં ૩૦ લાખની ખેડૂતોને સહાય આપવામાં આવી છે. એજીઆર- ૨ માં અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના ખેડૂતોને પાઇપલાઈન, પંપ સેટ, ઇલેક્ટ્રિક મોટર જેવી દવા છાંટવાનું મશીન વગેરેની ૬૫ લાખથી વધુની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે.
સોલાર પાવર યુનિટમાં ખેડૂતોને ૧૫ હજારની લાભાર્થી દીઠ ૭૫ હજારની સહાયમાં ચૂકવવામાં આવી, એનએફએસએમ પલ્સ કઠોળ વર્ગના પાકો માટે કુલ ૪૯૪ ખેડૂતોને ૧૨ લાખથી વધુની સહાય, તેમજ તેલીબિયા વર્ગના વાવેતર પાકો માટે ૩૨૨૯ લાભાર્થીઓને ૧૫ લાખથી વધુની સહાય આપવામાં આવી છે. ખેડૂતોના પાકમાં ઉંદર નિયંત્રણ યોજના હેઠળ ૫૦૨૫૫ લાભાર્થીઓને ૯૮ લાખથી વધુ ની સહાય ચૂકવાઇ છે. AGR -૫૦ યોજનામાં ટ્રેકટર ખરીદવા પર ૩૫૦ ખેડૂતોને ૧.૭૬ કરોડની સહાય આપવામાં આવી હતી. AGR 2,3,4 FM યોજનામાં ખેડૂતોને કલ્ટીવેટર, રોટાવેટર, થ્રેસર પાવર ટિલર, જેવા ટ્રેકટરના યાંત્રિક સાધન સહાય માટે ૪૪૧ લાભાર્થીઓને રૂ.૩.૯૪ કરોડની સહાય આપવામાં આવી હતી. ઓન ફાર્મ સ્ટોરેજ એજીઆર ૨,૩,૪ FMમાં લાભાર્થીદીઠ ૭૫ હજારની સહાય, ૩૮ લાભાર્થીઓને ૩૮.૫૦ લાખની સહાય અપાઈ છે.
સુરતના નાગરિકોને ઝેરમુક્ત અન્ન અને શાકભાજી પૂરા પાડવા તેમજ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે માટે રાજ્ય ઓર્ગેનિક પોલિસી અંતર્ગત ૧૮૧ ખેડૂતોને ૧૫ લાખથી વધુની સહાય આપવામાં આવી છે. આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીને વ્યાપક બનાવવી અનિવાર્ય છે. પ્રાકૃતિક ખેતી અપનાવીને રાજ્યના ખેડૂતો પ્રકૃતિની રક્ષા સાથે સમગ્ર વિશ્વને જીવન જીવવાનો માર્ગ બતાવશે. સુરત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાન તેજગતિથી આગળ વધી રહ્યું છે. હાલ જિલ્લામાં ૪૧,૭૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, પ્રાકૃતિક કૃષિ ઝુંબેશના પરિણામે રાસાયણિક ખેતીથી થતા નુકસાન અંગે લોકોમાં જાગૃતિ વધી રહી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોના પરિણામે સમગ્ર ભારતમાં ૧લી ડિસેમ્બર ૨૦૧૮થી ખેડૂતોની આવક વધારવા અને તેમના સર્વાંગી કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સુરત જિલ્લાના ૧,૩૫,૩૯૧ ખેડુતો લાભાન્વિત થયા છે અને સીધા તેમના બેન્ક ખાતામાં જ કોઈ વચેટિયા વિના સહાય આપવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને લઘુત્તમ આવકના આધાર તરીકે પ્રતિ વર્ષ ૬ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવે છે. આ યોજના ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ છે, જે તેમના કૃષિ આનુષંગિક ખર્ચને પહોંચી વળવામાં અતિ ઉપયોગી બની રહી છે.