કાછલ ગામે ઈ- નિર્માણ કાર્ડ માટે કેમ્પ યોજાયો
મહુવા તાલુકાના કાછલ ગામે ગ્રામ પંચાયત કાછલ અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુકત ઉપક્રમે શ્રમયોગીઓના ઈ-નિર્માણ કાર્ડ બનાવવા અંગેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.
કાછલ ગામના મહિલા સરપંચ કલ્પનાબેન નરેનભાઈ ચૌધરી દ્વારા આ ઈ- નિર્માણ કાર્ડના કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં કાછલ ગામના વ્યવસાયિક કુશળ કારીગરો તેમજ નરેગાના શ્રમિકો સહિત કુલ ૮૦ થી વધુ શ્રમજીવીઓએ આ કેમ્પમાં પોતાના ઈ- નિર્માણ કાર્ડ બનાવ્યા હતા. રાજ્ય સરકારના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અસંગઠિત ક્ષેત્રના ૧૮ થી ૬૦ વર્ષના વયજૂથના કામદારો માટે આ ઈ- નિર્માણ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઈ- નિર્માણ કાર્ડ લાભાર્થીઓને કુલ ૨૧ પ્રકારના લાભો આપે છે જેમાં ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા નિ:શુલ્ક તબીબી સારવાર તેમજ પ્રસુતિ સહાય યોજના હેઠળ નોંધાયેલ બાંધકામ મહિલા શ્રમિકને પ્રસુતિ માટે ૩૭૫૦૦ ની સહાય મળે છે તેમજ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ એક દીકરીને ૨૫૦૦૦ નો ૧૮ વર્ષની મુદત માટેનો બોન્ડ અને આકસ્મિક મૃત્યુ સહાય યોજના હેઠળ ચાલુ કામે અકસ્માતે અવસાન થાય તો તેના વારસદારને ત્રણ લાખની સહાય આપવામાં આવે છે તેમજ અંત્યેષ્ઠી સહાય યોજના હેઠળ બાંધકામ શ્રમિક મૃત્યુ પામે તો અંતિમક્રિયા માટે ૧૦૦૦૦ ની સહાય આપવામાં આવે છે વ્યવસાયિક રોગમાં સહાય, ગ્રો ગ્રીન શ્રમિક યોજના, શ્રમિક પરિવહન યોજના શ્રમિક અન્નપૂર્ણા યોજના આમ કુલ ૨૧ પ્રકારની સહાય ઈ-નિર્માણ કાર્ડ દ્વારા લાભાર્થીને મળે છે. ગામના સરપંચશ્રી કલ્પનાબેને જણાવ્યું હતું કે ગામના તમામ શ્રમિકોએ આ ઈ- નિર્માણ કાર્ડ બનાવી લેવો જોઈએ જેના દ્વારા શ્રમિક પરિવારને જીવનવિમા સહિત જીવનજરૂરી તમામ લાભો મળે છે જેનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.ગ્રામજનોએ ખૂબ મોટી સંખ્યામાં આ કેમ્પમાં લાભ લઈને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.