ધો. ૧૦ એસ.એસ.સી.માં સુરતનું ૮૬.૨૦ % પરિણામ
એ-૧ ગ્રેડમાં ૫૩૯૩ વિદ્યાર્થીઓ: રાજ્યભરમાં સૌથી વધુ એ-૧ ગ્રેડ મેળવીને સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો
પરીક્ષામાં ઉપસ્થિત ૮૦,૯૬૫ માંથી ૬૯,૭૯૪ વિદ્યાર્થીઓ પાસ થયા: જિલ્લામાં વાંકલ કેન્દ્રનું સૌથી ૯૬.૧૦ ટકા અને સૌથી ઓછું માંગરોળ કેન્દ્રનું ૫૫.૬૨ % પરિણામ
રાજ્યમાં સૌથી વધુ એ-૨ ગ્રેડ મેળવવામાં પણ સુરતના વિદ્યાર્થીઓએ મારી બાજી: ૧૩,૨૭૯ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવ્યો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં લેવાયેલી ધો.૧૦ (SSC) ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં સુરતે સફળતાની પરંપરા જાળવી રાખતા ૮૬.૨૦ % પરિણામ મેળવ્યું છે. જિલ્લામાં એ-૧ ગ્રેડમાં ૫,૩૯૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. રાજ્યભરમાં સૌથી વધુ એ-૧ ગ્રેડ મેળવીને સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. એ-૨ ગ્રેડમાં પણ રાજ્યમાં સૌથી વધુ ૧૩,૨૭૯ વિદ્યાર્થીઓ ઝળક્યા છે.
સુરત જિલ્લામાં ૮૧,૭૦૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૮૦,૯૬૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી ૬૯,૭૯૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લાની ૧૦૭ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં વાંકલ કેન્દ્રનું સૌથી ૯૬.૧૦ ટકા અને સૌથી ઓછું માંગરોળ કેન્દ્રનું ૫૫.૬૨ % પરિણામ આવ્યું છે.
નોંધનીય છે કે, રાજ્યના કુલ ૭,૪૬,૮૯૨ વિદ્યાર્થીઓએ SSC પરીક્ષા આપી હતી. સમગ્ર રાજ્યનું ૮૩.૦૮ ટકા પરિણામ રહ્યું છે.
