સોમવારે અને ગુરૂવારે બારડોલી વાસીઓને પ્રાકૃતિક ખેતપેદાશો મળી રહેશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બારડોલી તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી કઠોળ ફળ જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે ખેતીવાડી શાખા દ્વારા બારડોલી તાલુકા પંચાયત કચેરી ખાતે વેચાણના સ્ટોલ ઊભા કરી વેચાણનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
બારડોલી ખાતે સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી એસ. બી. ગામીત, બારડોલી તાલુકાના વિસ્તરણ અધિકારી ખેતી અને સ્ટાફ દ્વારા સ્થળ પર હાજર રહી એમના માર્ગદર્શન હેઠળ બારડોલી તાલુકાના ખેડૂતો દ્વારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેની ગુણવત્તા સારી અને પોષક તત્વોથી ભરપૂર જોવા મળી હતી. ગ્રાહકો દ્વારા પણ પ્રાકૃતિક ખેતી અંતર્ગત વસ્તુઓની ખરીદી માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. બારડોલી તાલુકા ખાતે દર સોમવારે અને ગુરુવારે સ્ટોલનું આયોજન કરવામાં આવશે. જેથી ગ્રાહકોને સારી અને આરોગ્યપ્રદ ચીજ વસ્તુઓ સમયસર મળી રહેશે.
બારડોલી તાલુકા પંચાયતના નવા નિમાયેલા પ્રમુખશ્રી શ્રીમતી જમનાબેન મનહરભાઈ રાઠોડ દ્વારા પ્રાકૃતિક વેચાણ કેન્દ્રની મુલાકાત કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
