લોકોના સ્વાસ્થ્ય અને ધરતી માતાની તંદુરસ્તી માટે સુરત ખેતીવાડી વિભાગની અભિનવ પહેલ
ઉમરપાડાના સમગ્ર બિલવણ ગામને ૧૦૦ ટકા પ્રાકૃતિક ગામ બનાવવા માટે ખેડૂતો અને અધિકારીઓ થયા સંકલ્પબદ્ધ
છેવાડાના ઉમરપાડા તાલુકાના સમગ્ર બિલવણ ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લા ખેતીવાડી-બાગાયત અધિકારીઓ-માસ્ટર ટ્રેનરોએ ઘરે ઘરે જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કર્યા
બિલવણ ગામની પ્રાકૃતિક ખેતી કરતી ૧૦૦ બહેનોએ પોતાના ગામને પ્રાકૃતિક ગામ બનાવવા માટે બીડુ ઝડપ્યુંઃ
બિલવણને પ્રાકૃતિક પ્રાકૃતિક કૃષિગ્રામમાં પરિવર્તિત કરવા માટે જિલ્લા ખેતીવાડી, બાગાયત, આત્મા પ્રોજેકટનું સંયુકત અભિયાન
સુરત:બુધવારઃ- રાજયના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ‘મિશન મૉડ’ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લોકોના આરોગ્ય માટે, ધરતી મા અને ગૌમાતાના સંરક્ષણ માટે રસાયણમુકત ખેતીના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો આત્મનિર્ભર બને તેવા આશયથી જિલ્લા ખેતીવાડી, બાગાયત, આત્મા પ્રોજેકટ, કેવીકે દ્વારા અભિનવ પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ઉમરપાડા તાલુકાના બિલવણ ગામને ૧૦૦ ટકા પ્રાકૃતિક ગામ બનાવવા માટે ખેડૂતો અને અધિકારીઓ થયા સંકલ્પબદ્ધ થયા છે.
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ-માસ્ટર ટ્રેનરોએ ઘરે ઘર ફરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ જણાવીને ખેતી કરવા માટે સમજાવ્યા હતા.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતીશ ગામીત, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એન.જી.ગામીત, કેવીકેના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકભાઈ રાઠોડ, નાયબ બાગાયત નિયામકશ્રી ડી.કે.પડાલિયાએ ઘરે ઘર ફરીને બિલવણ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.
‘ઔદ્યોગીકરણની દોટમાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે, ત્યારે રાસાયણિક ખાતર વિનાની ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલી રહી છે. રાસાયણિક ખેતીથી પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહ્યુ છે, લોકોમાં રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક ખેતી કરીને નવી પેઢીને ફળદ્રુપ જમીનની ભેટ આપવાની સાથે લોકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે અધિકારીઓએ સૌ ખેડૂતોને સમજાવ્યા હતા. આ ખેતીમાં ખેતી ખર્ચ ઘટવાની સાથે ઉત્પાદન વધે છે તે અંગે માહિતગાર કર્યા હતા.
ઝેરમુકત ખેતી કરવા માટે બિલવણ ગામની પ્રાકૃતિક ખેતી કરતી ૧૦૦ બહેનોએ ગામના ઉર્મિલાબેનની આગેવાની હેઠળ સમગ્ર ગામના ૪૦૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિગ્રામ બનાવવા માટે બીડુ ઝડપ્યું છે. શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી કરતી આ બહેનો ગામના અન્ય ખેડૂતોને જીવામૃત આપશે, ત્યારબાદ ગ્રામજનોને તેના ફાયદાઓ મળ્યેથી વધુમાં વધુ ખેડૂતોને જોડવા માટે પ્રેરિત કરશે.
આ સમગ્ર દિવસના અભિયાનમાં જિલ્લાના પ્રાકૃતિક કૃષિ અભિયાનના દ.ગુજ. ખેડૂત સંયોજક કમલેશભાઈ તથા જિલ્લા સંયોજક કિશોરભાઈ તથા સર્વશ્રી મહેશભાઈ પટેલ, મનહરભાઈ લાડ, જયંતીભાઈ, વિકાસ ગામીત, વાલજીભાઈ ચૌધરી, હર્ષદ ચૌધરી સહિતના અન્ય ખેડૂતોએ ઘરે ઘર ફરીને જીવામૃત્ત, ઘનજીવામૃત્ત, અગ્નિઅસ્ત્રના ફાયદાઓ જણાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની જાણકારી આપી હતી.